વડોદરામાં ઓનલાઇન ૯૬.૭૬ લાખ ટુકડે-ટુકડે પડાવી છેતરપિંડી
વડોદરા: વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા દિપકકુમાર શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન અલગ-અલગ નામે જેમકે વૈદિક નારાયણ જ્યોતિષના આચાર્ય કમલ દેવ, મહાગુરુજી, બ્રાહ્મઋષિજી,(કૃષ્ણ શાસ્ત્રી), પુષ્કળજી, રાહુલજી, બ્રાહ્મઋષિજી નેપાળવાળા(દયાનંદજી), દિપક શાસ્ત્રી નામે ફરિયાદી સાથે વાત કરીને જણાવ્યું હતું કે, તમારા ૩૫થી ૪૦ વર્ષની કન્યા સાથે લગ્ન થશે અને તમને પુત્ર સંતાનનો પણ યોગ છે. તેમ જણાવી વિશ્વાસ કેળવ્યો હતો.
ત્યારબાદ કુટુંબ ઉપર દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવ્યું હતું. જેના કારણે તમારા કુટુંબના દરેક સભ્યોના જીવને જાેખમ છે. આ દુષ્ટ આત્માને શાંત કરવા માટે અઘોરી બ્રાહ્મણોને બોલાવી પશુની રક્તબલી ચડાવી પડશે. આ ઉપરાંત માતા-પિતાની સદગતિ માટે અને ઘરમાં અચળ લક્ષ્મીનો વાસ થાય તે માટે વિધિ દરમિયાન ગોપાલજી નામના બ્રાહ્મણ મૃત્યુ થયું છે, જેથી તમને બ્રહ્મ દોષ લાગશે, તેમની સદગતિ માટે ગાયોનું દાન, ૧૨ જ્યોતિર્લિંગના અભિષેકનું જળ લાવી તેમની આત્માને શાંતિ માટે યજ્ઞ, કુંડળીના બધા ગ્રહોને શાંત કરવા માટે બીજ મંત્રોથી વિધિ કરીને નક્ષત્ર તથા દિશાઓને કંટ્રોલમાં રાખવા, લક્ષ્મીજી તથા ગણેશજીની સોનાની મૂર્તિ ખરીદી ઘરમાં સ્થાપના વિધિ માટે તેમજ ગયેલા રૂપિયા પરત આપવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ૯૬,૭૬,૧૯૬ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ છેતરપીંડી આચરી હતી. આ મામલે વડોદરા સાઈબર ક્રાઇમ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એક અઠવાડિયા પહેલા જ વડોદરાથી ઉજ્જૈનમાં દર્શનાર્થે ગયેલા ખાનગી કંપનીના મેનેજર સિદ્ધાર્થ શર્મા ધંધો વધારવાની લાલચે લોટમાંથી કંકુ બનાવી ચમત્કાર બતાવનાર તાંત્રિકના ચક્કરમાં ફસાતાં રૂ. ૨૧.૩૧ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. વધુ પૈસા પડાવવા માટે તાંત્રિક દ્વારા ધમકી આપવામાં આવતી હોવાને કારણે યુવાને ગોત્રી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પોલીસે રાજ્યગુરુ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે ગોપાલ વ્યાસ નામના તાંત્રિકની ધરપકડ કરી હતી.