સનફ્લાવરમાં સોયાબીન નાંખી વેચવાનું કૌભાંડ: ૪ શખ્સોની ધરપકડ
સનફ્લાવર તેલનાં અદાણી વિલમાર કંપનીનાં ફોર્ચ્યુન સનફફ્લાવરનું સ્ટીકર લગાવી સનફ્લાવર તેલના બદલે સોયાબીનનું તેલ લોકોને પધરાવતા
અમદાવાદ, અમદાવાદ શહેરના નારણપુરામાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. નફો કમાવવા માટે સનફ્લાવર તેલનાં નકલી સ્ટીકર બનાવીને તેલનાં ડબ્બા પર લગાવી ગ્રાહકોને સનફ્લાવર તેલના બદલે નકલી તેલ આપી છેતરપિંડી કરતા વેપારી ઝડપાયા છે. આ વેપારી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નારણપુરા પોલીસે વિક્રમ ચૌધરી, મહેશ પટેલ, શૈલેષ મોદી અને અજીત પટેલની ધરપકડ કરી છે. આ આરોપીઓએ પૈસા કમાવવાની લાલચમાં લોકો સાથે ઠગાઈ કરી છે. લોકોની તંદુરસ્તીમાં વધારો કરતા સનફ્લાવર તેલનાં અદાણી વિલમાર કંપનીનાં ફોર્ચ્યુન સનફફ્લાવરનું સ્ટીકર લગાવી સનફ્લાવર તેલના બદલે સોયાબીનનું તેલ લોકોને પધરાવતા હતા.
સનફલાવર તેલનાં ડબ્બા જેટલી જ કિંમત લઈને કંપની અને લોકો સાથે ઠગાઈ આચરતા હતા. નારણપુરા પોલીસે ૪૫ હજારથી વધુની કિંમતનાં ૧૬ તેલનાં ડબ્બા ઝડપી ૪ શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એ જી જાદવે જણાવ્યું કે અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં આવેલા આકાશ ફ્લેટ્સ, પરિશ્રમ ટાવર પાસે આવેલા તિરુપતી પ્રોવિઝન સ્ટોરમાં ફોર્ચ્યુન બ્રાન્ડનાં સનફ્લાવર તેલનાં ડુપ્લીકેટ ડબ્બા ઝડપાયા છે.
પોલીસે રેડ કરીને તપાસ કરતા દુકાનમાં વિક્રમ ચૌધરી નામના વેપારી પાસેથી ૫ ડબ્બા ઝડપી લીધા હતા. આરોપીને પકડી તેણે આ તેલનાં ડબ્બા કોની પાસેથી મંગાવ્યા છે તે તપાસ કરાતા તેણે શૈલેષ મોદી પાસેથી લીધા હોવાનુ કબુલ્યું હતું. જે બાદ વેપારીએ શૈલેષ મોદીને ફોન કરીને બીજા તેલનાં ડબ્બાઓ મંગાવતા શૈલેષ મોદી અને પ્રવિણ વાઘ નામનાં બે ઈસમો લોડિંગ રિક્ષામાં ૧૧ ડબ્બાઓ લઈને આવતા પોલીસે તેઓની પણ ધરપકડ કરી હતી.
તમામ આરોપીઓને પૂછપરછ કરતા તેમણે આ તેલનાં ડબ્બા ઓઢવના મહેશ પટેલ અને અજીત પટેલ પાસેથી મંગાવ્યા હોવાનું કબુલ્યું હતું. નારણપુરા પોલીસે આ મામલે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યુ કે ઓઢવના મહેશ પટેલ નામનો આરોપી શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની પરવાનગી લઈને પોતાની ફેક્ટરીમાં ડબ્બામાં સોયાબીન તેલ નાખી તે ડબ્બા પર ફોર્ચ્યુન સનફ્લાવર તેલના લોગોનું સ્ટીકર લગાવી.
શહેરમાં અલગ અલગ વેપારીઓને વેચાણ માટે આપતો હતો. પોલીસે કોપીરાઈટ અને ઠગાઈની કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં અનેક લોકોની સંડોવણી આગામી તપાસમાં સામે આવે તો નવાઈ નહીં.