નારોલ ગોપી ટેક્ષસ્ટાઈલમાં લાગેલી આગથી બિલ્ડીંગ ધરાશાયી
આ ફેકટરી મ્યુની. રીઝર્વ પ્લોટ પર બની હોવાની ચર્ચા |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના નારોલ વિસ્તારમાં આવેલી એક ઈન્ડસ્ટ્રીઝમાં ગઈ રાતે લાગેલી ભીષણ આગ હજુ પણ કાબુમાં આવી નથી. આગને કારણે ઈન્ડસ્ટ્રીઝનું મુખ્ય બિલ્ડિંગ ધરાશાયી થઈ જતાં ફાયરબ્રિગેડના જવાનો આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત કરી રહયા છે. આમ છતાં આ લખાય છે ત્યાં સુધી આગ અંકુશમાં આવી નથી. સદ્નસીબે આ આગની ઘટનામાં કોઈ જ જાનહાની કે કોઈને ઈજા થવા પામી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે શહેરના નારોલ વિસ્તારમાં વટવા ટર્નીંગ પોઈન્ટ પાસે મટન ગલીમાં આવેલી ગોપી ફેબ્રીક ઈન્ડસ્ટ્રીઝમાં ગઈરાતે આશરે ૯.૦૦ વાગ્યાના સુમારે અચાનક જ આગ ફાટી નીકળી હતી.
આગે જાતજાતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુમાં રહેતા લોકોએ ભયના કારણે ભારે નાસભાગ કરી મુકી હતી જયારે આગ લાગી ત્યારે ઈન્ડસ્ટ્રીઝમાં સાતેક માણસો હાજર હતા આ સાતેય દોડીને બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો.
બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો, વોટર ટેન્કરો ફાયર ફાઈટર, સ્નોનસ્કેલ તથા તમામ જાતની સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં ઈન્ડસ્ટ્રીઝનું બિલ્ડીંગ ધરાશાયી થયું હોવાનું કારણે આગને અંકુશમાં લેવા માટે ફાયરબ્રિગેડની કોઈ કારી ફાવી ન હતી. માત્ર બારીમાંથી જ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યા હતાં પરંતુ આગ હજુ સુધી કાબુમાં આવી નથી.
આ આગમાં ઈન્ડસ્ટ્રીઝમાં પડેલ કાચો અને પાકો માલ, મશીનરી, શેડ તથા અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડે જેસીબીની મદદથી પડેલા બિલ્ડીંગનો કાટમાળ હટાવવાનું શરૂ કર્યું છે અને બિલ્ડિંગની એક દિવાલ તોડી આગ ઓલવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઈન્ડસ્ટ્રીઝમાં ફાયર સિસ્ટમ ન હોવાના કારણે આગને અંકુશમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગઈરાતથી ફાયરબ્રિગેડના રપ વાહનો અને ૮૦ જવાનો ઘટના સ્થળે હાજર છે અને હાલ આગને અંકુશમાં લેવાની કાર્યવાહી ચાલુ છે.