Western Times News

Gujarati News

કોરોના વધતા તામિલનાડુમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન

Files Photo

ચેન્નાઈ: કોરોના વાયરસના ચેપના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તામિલનાડુમાં લોકડાઉનનો સમયગાળો ૩૧ માર્ચ સુધી વધારવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ આદેશની સાથે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપી છે. આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. સરકારે લોકોને જરૂરી તમામ સાવચેતી રાખવાની સૂચના જારી કરી છે. તામિલનાડુમાં કોવિડના કેસોમાં અચાનક વધારો થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ -૧૯ના ૫૨૧ નવા કેસ નોંધાયા છે.

તે જ સમયે ૫ લોકોનાં મોત પણ થયાં છે. સોમવારથી દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત સાથે ઘણા રાજ્યોમાં વધતા જતા કેસો ચિંતાનું કારણ બની રહ્યા છે. તામિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સતત વધી રહેલા દર્દીઓને કારણે ભય વધ્યો છે. ઘણા વિસ્તારોમાં કર્ફ્‌યુનો સમયગાળો વધારવામાં આવ્યો છે. તામિલનાડુમાં અગાઉનો લોકડાઉન સમયગાળો ૨૮ ફેબ્રુઆરી સુધીનો હતો. નવા આદેશમાં કોઈ કડક નિયમ બનાવવામાં આવ્યો નથી, પરંતુ કેન્દ્ર સરકારની એડવાઈઝરીનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

જરૂર પડે તો કલમ ૧૪૪ લાદવાની સૂચના પણ આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગને ફોલો કરવા, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા જેવી જરૂરી સૂચના આપવામાં આવી છે. તામિલનાડુમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યની ૨૩૪ વિધાનસભા બેઠકો માટે ૬ એપ્રિલના રોજ મતદાન યોજાશે. મતની ગણતરી ૨ મેના રોજ કરવામાં આવશે. આ સમય દરમિયાન કોરોના માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.