અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ૨૧૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યુ
નવીદિલ્હી: અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ચલાવાયેલું અભિયાન ‘રામમંદિર નિધિ સમર્પણ’ અભિયાન ૪૫ દિવસ ચાલ્યું હતું અને હવે તે પૂર્ણ થતાં રૂ. ૨૧૦૦ કરોડનું ફંડ એકત્રિત થયું હતું.આ અભિયાન ગત મકરસંક્રાંતિથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવાયું હતું. જે બાદ કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ અને અભિયાનના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ આલોક કુમારે આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે .
એડવોકેટ આલોક કુમારે કહ્યું હતું કે “વિશ્વના આ સૌથી મોટા અભિયાનમાં ચાલીસ લાખ સમર્પિત કાર્યકાર્તાઓએ ૧૦ લાખ ટીમો બનાવીને રાજ્યોમાં શહેરો, નગરો, જિલ્લાઓ, તાલુકાઓ અને ગામોમાં ભંડોળ પ્રાપ્ત કરવા માટે ઘરે-ઘરે ગયા અને ભંડોળ એકત્રિત કર્યું. સાથે જ લોકોએ પણ ભગવાન રામ પ્રત્યે દર્શાવેલી ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ આત્માને ઉત્તેજીત કરનારા હતા.”
આલોક કુમારે કહ્યું કે, ગામડા અને શહેરોના કરોડો હિન્દૂ પરિવારો આ અભિયાન સાથે જાેડાયેલા હતા. તેમને ઉમેર્યું કે, આ અભિયાન દરમિયાન કાર્યકર્તાઓએ ઘણા લોકોને પોતાની ક્ષમતાથી વધુ યોગદાન આપતા જાેયા છે.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ અભિયાનમાં દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિથી લઈને ફૂટપાથ પર સૂતા વ્યક્તિઓએ પોતાની આવકમાંથી યોગદાન આપી પોતાને ભગવાન રામ સાથે જાેડી લીધા છે. ઉલ્લેખનીય છે કે, આ અભિયાનના શરૂઆતમાં ૧૧૦૦ કરોડનું ભંડોળ એકત્રિત થવાનું અનુમાન હતું. પરંતુ લોકોના અભૂતપૂર્વ યોગદાનથી ૧૦૦૦ કરોડ વધુ ભંડોળ એકત્રિત થયું છે.