મોદી બાદ અનેક ટોચના નેતાઓએ વેક્સિન લીધી
નવી દિલ્હી: આજે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. તે બાદ રાજકીય નેતાઓનો કોરોના વેક્સિન લેવાનો દોર શરૂ થઇ ગયો છે. પીએમ મોદી બાદ નવીન પટનાયક, નીતિશ કુમાર, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ કોરોનાની વેક્સિન લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માં આજે સવારે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ અંગે તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમએ કહ્યું હતું કે, લોકોએ નિશ્ચિત થઈને રસી લેવી જાેઈએ. સાથે ડોક્ટરો તેમજ વૈજ્ઞાનિકોના શાનદાર કામ માટે આભાર માન્યો હતો.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે પટનાના આઈજીઆઈએમએસ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લીધી. નીતિશ કુમારે પટનામાં કોવિશીલ્ડ વેક્સિન લીધી. જ્યારે નીતિશ કુમાર ઉપરાંત બન્ને નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ પણ વેક્સિન લીધી છે. સાથે જ બિહારમાં નીતિશ કુમારની સરકારે તમામને મફ્તમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે.
બીજી બાજુ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે તેઓ કાલે વેક્સિન લેશે. આજે જ તેઓ વેક્સિન અંગે બુકિંગ કરાવશે. હર્ષવર્ધને કહ્યું કે, પીએમ મોદીએ વેક્સિન લઇને એક ઉદાહરણ રજૂ કર્યું છે. જેથી લોકોના મનમાં કોઇ શંકા ન રહે. સાથે જ તેમણે કહ્યું કે, શરૂઆતમાં કેટલીક જગ્યાએ કોવિનના રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવી હતી. પરંતુ હવે બધું બરાબર રીતે ચાલી રહ્યું છે.
ઉપરાંત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ સોમવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીએ પણ સોમવારે વેક્સિન લીધી હતી.