ગુજરાત રાજ્ય N.C.C.ના અધિક મહાનિર્દેશક તરીકે અરવિંદ કપૂરે કાર્યભાર સંભાળ્યો
ગુજરાતની સાથે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવનું પણ સુકાન સંભાળશે
ગુજરાત રાજ્ય એન.સી.સી.ના અધિક મહાનિર્દેશક (ADG) તરીકે મેજરજનરલ અરવિંદ કપૂરે તારીખ 1લી માર્ચ 2021 ના રોજ કાર્યભાર સંભાળ્યો છે.
ગુજરાતની સાથે સાથે તેઓ દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણની પણ કમાન સંભાળશે.તેમણે મેજર જનરલ રોય જોસેફની વયનિવૃતી થતા ઉક્ત કાર્યભાર સંભાળ્યો છે. મેજર જનરલ રોય જોસેફે વિશિષ્ટ સેવાના આડત્રીસ વર્ષ પૂરા કર્યા પછી સેવા નિવૃતી જાહેર કરતા મેજર જનરલ અરવિંદ કપૂરને કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
આર્મ્ડ કોર ઓફિસર મેજર જનરલ કપૂર ખડકવાસલા સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી અને દહેરાદૂન સ્થિત ભારતીય મિલિટરી એકેડેમની ભૂતપૂર્વ વિધાર્થી છે. તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અભ્યાસમાં અનુસ્નાતક થયેલા છે. જનરલ ઓફિસર અલગ અલગ પ્રદેશોમં સેવા આપવાનો બહોળો અનુભવ ધરાવે છે.
તેમણે એન.સી.સી. માં અમદાવાદ ખાતે ગ્રુપ કમાન્ડર તરીકે પણ સેવાઓ આપી છે. જનરલ ઓફિસરની નિયુક્તિ કોર હેડક્વાર્ટરમાં અતિઉંચાઇ ધરાવતા પ્રદેશમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે થઇ હતી. ત્યારબાદ ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં એ.ડી.જી. તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.
મેજર જનરલ કપૂરે સૂચનાઓના તમામ મહત્વપૂર્ણ અભ્યાસક્રમોમાં ભાગ લીધો છે, તેમાંથી કેટલાક નોંધનીયમાં વેલિંગ્ટન ખાતે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ, મહુ ખાતે ઉચ્ચ સંરક્ષણ ઓરિએન્ટેશન અભ્યાસક્રમ અને સિંકદરાબાદ ખાતે વરિષ્ઠ સંરક્ષણ વ્યવસ્થાપન અભ્યાસક્રમ પણ સામેલ છે.
ગુજરાત રાજ્ય એન.સી.સી. કેડેટ્સને શ્રેષ્ઠ માર્ગદર્શન આપી રાજ્ય એન.સી.સી.ના પ્રદર્શનને વધુ ઉત્કૃષ્ઠ બનાવવાના લક્ષ્ય સાથે નવ ઉર્જાનો સંચાર કરવાની મેજર જનરલ કપૂરે ખેવના વ્યક્ત કરી છે.