સુરતમાં કોંગ્રેસ ફરી તૂટી, કાછડીયાએ રાજીનામું આપ્યું
સુરત, કોંગ્રેસ આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. પાર્ટીને સમ ખાવા પૂરતી પણ સીટ મળી નથી. એવામાં હવે કોંગ્રેસને વળી પાછો મોટો આંચકો લાગ્યો છે. નેતા દિનેશ કાછડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.
રાજીનામું આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લી ચૂંટણી લડ્યા પછી મને મળેલી હારના પરિણામો જાેઈને દિલથી એવું લાગ્યું કે આ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે તકો કે અવસર આપ્યા તેના પ્રમાણમાં મારી ક્યાંક કયાસ રહી ગઈ અને પાર્ટીને તેના પ્રમાણમાં હું પરત આપી શક્યો નથી.
આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસના તમામ પ્રદેશ નેતાઓ, સુરત શહેર સંગઠનના નેતાઓ, મારી સાથે ચૂંટણી લડી રહેલા મારા સાથી મિત્રો સમક્ષ એક સહ્રદય ઋણ ભાવ સાથે હું કોંગ્રેસ પાર્ટીના તમામ પદ અને પ્રાથમિક પદેથી રાજીનામું જાહેર કરું છું. દિનેશ કાછડિયાએ પોતાની હાર બાદ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ છે.
રાજીનામા બાદ હવે તેઓ આપમાં જાેડાઈ શકે છે. અત્રે જણાવવાનું કે દિનેશ કાછડિયા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ વખતે કોંગ્રેસને સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. પાર્ટીને એક પણ બેઠક મળી નથી.