સાબરમતી નદીએ પાંચ વર્ષમાં ૫૩૩ લોકોને પોતાની અંદર સમાવી લીધા
અમદાવાદ, દહેજને લઇને આઇશા નામની યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેવાનો મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે ત્યારે સોશિયલ મીડીયામાં પણ આઇશાએ સ્યુસાઇડ કર્યું તે પહેલાં રિવરફ્રન્ટ પાસે બનાવેલો અંતિમ વીડિયો લોકોના રૂવાડાં ઊભા કરી દે તેવો છે.
ખાલી આઇશા આ રળિયામણી સાબરમતી નદીમાં સમાઇ નથી હજારો લોકો તેમાં સમાઇ ગયા છે. છેલ્લાં પાંચ વર્ષમાં સાબરમતી નદીમાં કુલ ૫૩૩ લોકોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે. શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે.
વાસણા બેરેજથી ઇન્દિરા બ્રિજ સુધી સાબરમતી નદીનો ૨૦ કિલોમીટરનો પટ્ટો છે. જેમાં સંખ્યાબંધ લોકોએ પોતાનું જીવન ટુંકાવ્યું છે ત્યારે સંખ્યાબંધ લોકોને બચાવવામાં ફાયરબ્રિગેડની રેસક્યુ ટીમ સફળ રહી છે. આજે સવારે એક વૃદ્ધે નહેરૂબ્રિજ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
સાબરમતી નદીમાં આપઘાતનું પ્રમાણ વધતાં સરકારે તકેદારીના પગલાં લેવાના ભાગ રૂપે વર્ષ ૨૦૧૮માં તમામ બ્રિજ પર જાળી લગાવી દીધી છે ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ટીમ પણ નદીમાં તહેનાત કરાઇ હતી. જાેકે જેણે સ્યુસાઇડ કરવાનો નિર્ણય લઇ લીધો છે તે કોઇપણ રીતે પોતાનાં જીવનને ટુંકાવીને મોતને વહાલુ કરે છે.
બ્રિજ પર ફેન્સિંગ લગાવતા હવે લોકો રિવરફ્રન્ટના વોક વે પરથી કૂદકો મારીને મોતને વહાલું કરી રહ્યા છે. આઇશાએ પણ વોકવે પરથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. ફેન્સિંગ લગાવી દીધા બાદ નદીમાં આત્મહત્યાનુ પ્રમાણ ઓછું થઇ ગયુ છે પરંતુ એક આંકડા પ્રમાણે ફેન્સિંગ લગાવી દીધા બાદ ૯૮ ટકા લોકો વોકવે પરથી ઝંપલાવે છે.
સ્યુસાઇડને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પર જાળી લગાવી દેવામાં આવી છે ત્યારે ફાયરબ્રિગેડની રેસ્કયુ ટીમ બનાવવામાં આવી છે. આ રેસ્ક્યુ ટીમ મેસેજ મળતા મોટા ભાગે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી લોકોના જીવ બચાવી લે છે. તો બીજી તરફ રિવરફ્રન્ટનો વોકવે પર સિક્યોરિટી ગાર્ડ પણ ગોઠવી દેવાયા છે.
તેમ છતાંય લોકો નદીમાં છલાંગ લગાવીને સ્યુસાઇડ કરી રહ્યા છે. હાલ પોલીસ પણ પોતાના જીવ પર આવેલા લોકોને બચાવવાના કિસ્સામાં કામે લાગી છે. આપઘાત કરવા પાછળના અનેક કારણો હોય છે પરંતુ લોકો એટલી હદે હતાશ થઇ જાય છે કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જીવનને ટુંકાવી દેતા હોય છે.