કન્ટ્રોલ રૂમમાં ખોટો ફોન ધમકીઃ ટ્રાફિક બૂથ સળગાવીને બ્લાસ્ટ કરી દઈશ
શિવરંજની ટ્રાફિક બૂથમાં આગ લાગી છે. ગઠિયાએ કંટ્રોલમાં આવો કોલ કરતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી
અમદાવાદ, પોલીસનો ડર ના હોય તેમ લોકો પોલીસ કન્ટ્રોલ રૂમમાં ખોટા ફોન કરીને પોલીસને દોડતી કરીને હેરાન કરવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગઈકાલે શિવરંજની ટ્રાફિક બૂથમાં આગ લાગી છે. કંટ્રોલમાં આવો મેસેજ મળતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા કોઈ બનાવ બન્યો ન હતો
જેથી પીએસઆઈએ ફોન કરનારને ફોન કર્યો તો તેણે કહ્યું કે તમે મને હેરાન કરો છો હું રાતે ટ્રાફિક બુથ સળગાવી નાખીશ અને બ્લાસ્ટ કરી દેવાની ધમકી આપી ગાળો આપી હતી.
શહેરના એન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર બી.બી. વાઘેલાએ એક ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ તેમજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને કંટ્રોલમાંથી મેસેજ મળયા હતા કે શિવરંજની બૂથમાં આગ લાગી છે.
આ મેસેજના આધારે પીએસઆઈ તેમજ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે આગનો કોઈ બનાવ બન્યો ન હતો. જેથી પીએસઆઈએ મેસેજ કરનારને મોબાઈલ ફોન કરીને સંપર્ક કર્યો હતો. ફોન કરનારે પીએસઆઈએ કહ્યું કે તમે ટ્રાફિક પોલીસના માણસો મને દરરોજ હેરાન કરો છો તેથી હું રાત્રીના સમયે આવીને ટ્રાફિક બૂથ સળગાવી નાખીશ અને બ્લાસ્ટ કરી નાખીશ તમારાથી થાય તે ઉખાડી લેજાે.
આમ કહીને ધમકી બાદ ગાળો બોલીને ફોન કાપી નાખ્યો હતો. પીએસઆઈ પોલીસને ખોટી રીતે ગેરમાર્ગે દોરવા બદલ ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરના આધરે ગઠિયાની શોધખોળ શરૂ કરી છે. (એન.આર.)