CBSE સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા ઓનલાઈન લેવાશે
અમદાવાદ: અમદાવાદ શહેરની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન માન્ય ઘણી સ્કૂલો પ્રાયમરી અને સેકન્ડરીની વાર્ષિક પરીક્ષા ઓફલાઈન (શાળાએ આવીને આપવી) લેવાનો ર્નિણય બદલવાનો વિચાર કરી રહી છે. ઓફલાઈનને બદલે વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન લેવાની ઈચ્છા દર્શાવી છે. ર્નિણય બદલવાનું મુખ્ય કારણ કોરોનાના કેસોમાં થઈ રહેલો ઉછાળો છે. સાથે જ વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે આપેલી સંમતિ ધીમે-ધીમે તેઓ પાછી ખેંચી રહ્યા છે.
ઘણાં વાલીઓ જેમણે અગાઉ પોતાના બાળકને પરીક્ષા માટે સ્કૂલે મોકલવાની સહમતિ દર્શાવી હતી તેઓ હવે ઓનલાઈન ટેસ્ટ તરફ વળ્યા છે. ગાઈડલાઈન પ્રમાણે, વાલીઓ કઈ પદ્ધતિથી બાળકોને પરીક્ષા અપાવવા માગે છે તેના વિકલ્પ શાળાએ પૂરા પાડવાના હોય છે. ત્યારે હવે વાલીઓ ઓનલાઈન વિકલ્પને પ્રાધાન્ય આપી રહ્યા છે. નિરમા સ્કૂલના ડાયરેક્ટર વત્સલ વૈષ્ણવે કહ્યું, “અમે ઓનલાઈન અને સ્કૂલે આવીને પરીક્ષા આપવાનો વિકલ્પ વાલીઓને આપ્યો હતો.
તેમની પસંદગી પ્રમાણે અમે પ્રત્યક્ષ પ્રી-બોર્ડ એક્ઝામ લેવાનો ર્નિણય લીધો છે. અમે વિદ્યાર્થીઓને ફ્રી ટ્રાન્સપોર્ટેશન પણ આપીશું. આ માટે અમે વિસ્તારો પણ જલદી જ નક્કી કરી લઈશું. આશરે ૪૦ ટકા વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ આવીને પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ધોરણ ૯ અને ૧૧ના ૪૬ ટકા વિદ્યાર્થીઓએ શાળાએ આવીને પરીક્ષા આપવાની તૈયારી દર્શાવતાં તેમની પણ ઓફલાઈન પરીક્ષા લઈશું. જાે કે, પ્રાયમરીના વિદ્યાર્થીઓની પરીક્ષાા ઓનલાઈન લેવાની વિચારણા છે. આખા વર્ષ દરમિયાન કોરોના મહામારી અને લોકડાઉનના કારણે સ્કૂલોએ ઓનલાઈન પરીક્ષા લીધી હતી.
પરંતુ તેઓ ફાઈનલ એક્ઝામ ઓફલાઈન લેવાની યોજના બનાવી રહ્યા હતા. દરમિયાન, સ્કૂલો શરૂ થતાં વિદ્યાર્થીઓ પણ ક્લાસરૂમમાં અભ્યાસ કરતાં થયા હતા. છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ વધવાના શરૂ થયા તે પહેલા આશરે ૫૦ ટકા વાલીઓએ તેમના બાળકોને ફાઈનલ પરીક્ષા માટે સ્કૂલે મોકલવાની મંજૂરી આપી હતી પરંતુ હવે આ સંખ્યા ઘટીને ૨૦-૩૦ ટકા થઈ છે. કેટલીક સ્કૂલોએ વાર્ષિક પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાનો ર્નિણય કર્યો છે. પ્રકાશ હાઈસ્કૂલ અને નિરમા વિદ્યાલય જેવી સ્કૂલોએ પ્રી-બોર્ડ એક્ઝામ ઓનલાઈન લેવાનો ર્નિણય કર્યો છે.