Western Times News

Gujarati News

કાચા માલની કટોકટીથી 20,000થી વધુ MSME પ્લાસ્ટિક એકમો બંધ થવાને આરે

પોલીમરના કાચા માલોના ભાવવધારાથી ઉત્પાદન, MSMEને ફટકો-દેશમાં પ્લાસ્ટિક પ્રક્રિયા ક્ષેત્રમાં લગભગ 50,000 એકમો આશરે પચાસ લાખ કર્મચારીઓને રોજગાર આપે છે

પોલીમરના કાચા માલોના ભાવવધારાથી ઉત્પાદન, એમએસએમઈને મોટો ફટકો પડ્યો છે. આને કારણે 20,000થી વધુ એમએસએમઈ પ્લાસ્ટિક એકમો બંધ થવાને આરે આવી ગયાં છે. આથી ઈન્ડિયન ઓઈલ, ગેઈલ ઓપલ, હલ્દિયા ફાર્માસ્યુટિકલ્સ, એમઆરપીએલ જેવાં જાહેર ક્ષેત્રના એકમોને એમએસએમઈ ક્ષેત્રને વાજબી કિંમતે પૂરતી માત્રામાં કાચા માલોનો પુરવઠો કરવા સૂચિત કરાય એવી માગણી ઉદ્યોગના સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે કરી છે. Sharp rise in Polymer Raw material prices hits manufacturing, MSMEs.

કમસેકમ એક વર્ષ માટે કાચા માલોની નિકાલ પર બંધી લાદવી જોઈએ. ભારતમાં પ્લાસ્ટિકના કાચા માલોની કટોકટીને કારણે કૃષિ અને આરોગ્ય ક્ષેત્રને અસર થવાની શક્યતા છે, એવી ચેતવણી પણ સંગઠનોએ આપી છે.

ખાદ્ય પ્રક્રિયા, કૃષિ, રમકડાં, આરોગ્ય સંભાળ, ફાર્મા, વાહન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્ઝયુમર સેગમેન્ટ્સ માટે પ્લાસ્ટિકના માલોનું ઉત્પાદન કરતું પ્લાસ્ટિક પ્રક્રિયા ક્ષેત્ર અને માઈક્રો સ્મોલ એન્ડ મિડિયન એન્ટરપ્રાઈઝીસ ક્ષેત્રને કાચા માલોની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેને લીધે દેશભરમાં હજારો એકમો બંધ થવાને આરે છે.

દેશમાં પ્લાસ્ટિક પ્રક્રિયા ક્ષેત્રમાં લગભગ 50,000 એકમો આશરે પચાસ લાખ કર્મચારીઓને રોજગાર આપે છે અને તેઓ ક્ષમતાથી 50 ટકા ઓછી કામગીરી કરી રહ્યાં છે અને જો કટોકટીનો ઉકેલ નહીં લવાય તો હજારો એમએસએમઈ બંધ થશે, એમ ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન, ઓર્ગેનાઈઝેશન ઓફ પ્લાસ્ટિક્સ પ્રોસેસર્સ ઓફ ઈન્ડિયા, પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ,

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન, ઈન્ડિયન પ્લાસ્ટિક્સ ફેડરેશન- કોલકતા, કર્ણાટક સ્ટેટ પ્લાસ્ટિક્સ એસોસિયેશન, મહારાષ્ટ્ર પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન, કેરળ પ્લાસ્ટિક્સ મેન્યુફેકરર્સ એસોસિયેશન, તેલંગાણા અને આંધ્ર પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન અને કેનેરા પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન સહિતનાં સંગઠનના પ્રમુખોએ જણાવ્યું છે.

પીએસયુ સહિતની મોટી પેટ્રોકેમિકલ કંપનીઓ કિંમતોમાં આડેધડ વધારો કરી રહી છે, જેને લીધે છેલ્લા 8-10 મહિનામાં કિંમતોમાં 40થી 155 ટકાનો ઉછાળો આવ્યો છે. મોટી પેટ્રોકેમિકલ કંપનીઓ બજારમાં કાચા માલોની તીવ્ર અછત સર્જી રહી છે, જેને લીધે પ્રીમિયમ અને કાળાંબજારને પ્રોત્સાહન મળી રહ્યું છે.

પ્લાસ્ટિક પ્રક્રિયા ક્ષેત્રે ભારતીય પેટ્રોકેમિકલ કંપનીઓ દ્વારા કાચા માલોના પુરવઠાની ખાતરી રાખવા અને દેશમાં ઉત્પાદન નહીં થતા કાચા માલોની આયાતો મુક્ત કરવા માટે સરકારની તુરંત મધ્યસ્થીની માગણી કરી છે. ઉદ્યોગ પ્લાસ્ટિક માલોના ઉત્પાદન માટે મુખ્ય કાચો માલ પોલીમર્સની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે,

જે કૃષિ, આરોગ્ય સંભાળ, ખાદ્ય અને રમકડાં ક્ષેત્ર સહિત રાષ્ટ્રનિર્માણમાં વિવિધ ઉપયોગ ધરાવે છે, એમ ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ શ્રી ચંદ્રકાંત તુરખિયાએ જણાવ્યું હતું.

કાચા માલોના ખર્ચમાં વધારો અને બજારમાં તીવ્ર અછતથી પ્રોજેક્ટ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને એમએસએમઈની ખર્ચ સ્પર્ધાત્મકતા પર માઠી અસર પડી રહી છે, એમ ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન શ્રી અરવિંદ મહેતાએ જણાવ્યું હતું.

ફિનિશ્ડ પ્રોડક્ટોની નિકાસ ઓછી ઈથઈ રહી છે, કારણ કે દેશમાં પોલીમરની કિંમતો સ્પર્ધક દેશો કરતાં બહુ ઉચ્ચ છે અને જો આ સતિતિ રહેશે તો ભારતમાંથી પ્લાસ્ટિક માલોની નિકાસની પીછેહઠ થશે, કારણ કે ભારતીય ઉત્પાદકો વૈશ્વિક ઓર્ડરોને પહોંચી નહીં વળી શકે, એમ પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન શ્રી અરવિંદ ગોયંકાએ જણાવ્યું હતું.

કૃષિ ક્ષેત્રને પ્લાસ્ટિક પાઈપ્સ, ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ, પાણીની ટાંકીઓ, મલ્ચ ફિલ્મ્સ વગેરેની કિંમતો પર કાચા માલોની કટોકટીના પ્રભાવને લીધે લીધે ફટકો પડશે, એમ ઓર્ગેનાઈઝેશન ઓફ પ્લાસ્ટિક્સ પ્રોસેસર્સ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી મહેન્દ્ર સંઘવીએ જણાવ્યું હતું.

અચાનક કિંમતમાં વધારો અને કાચા માલો ઉપલબ્ધ નહીં હોવાથી કમ્પોનન્ટ્સ અને પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા રમકડાં ઉત્પાદકોને પણ ફટકો પડ્યો છે, એમ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ પટેલે જણાવ્યું હતું.

કાચા માલોની વધતી કિંમતનો પ્રભાવ કોરોના કાળને લીધે અગાઉથી જ સંકટમાં આવેલા ગ્રાહકોની અપેક્ષાઓને પણ અસર કરશે, એમ ઈન્ડિયન પ્લાસ્ટિક્સ ફેડરેશન, કોલકતાના પ્રેસિડેન્ટ શ્રી રમેશ કુમાર રાતેરિયાએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.