ઉમેદવારના પરિવારના મત ૧૨ અને ૧૧ મત મળતા ઈવીએમમાં છબરડોના આક્ષેપ
અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જીલ્લા પંચાયત સહીત ૬ તાલુકા પંચાયત અને મોડાસા તેમજ બાયડ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકા પંચાયતમાં દધાલિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવનાબેન પટેલને તેમના વતન કોકાપુર ગામ માંથી ૧૧ મત મળતા તેમના પરીવારના જ ૧૨ મત હોવાના અને ૬૨૬ નું મતદાન થયું હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારને પરિવારના ૧૨ મત પણ નહીં મળતા વિવાદ સર્જાયો છે.
અરવલ્લીની દધાલીયા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને પરિવારના ૧૨ મતમાંથી ૧૧ મત મળતા, ઈવીએમમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે.જીલ્લા કલેકટર કચેરીએ કોંગ્રેસના ઉમેદવાર, અગ્રણીઓ અને તેમના સમર્થકોએ મત ગણતરી પૂર્ણ થયા બાદ કલેકટર કચેરીમાં ધામા નાખ્યા છે કોંગ્રેસના ઉમેદવારને મત આપનાર મતદારો તેમનો મત ક્યાં ગયો તે અંગે તંત્રને પૂછી રહ્યા છે
કોંગ્રેસના ઉમેદવારને કોકાપુર ગામમાંથી ૬૨૬માંથી માત્ર ૧૧ મત મળ્યા એટલે ઈવીએમમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે. વધુ મળતી માહિતી મુજબ, કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટે જણાવ્યું કે કોકાપુર ગામમાં કોંગ્રેસના ઉમેદવારના ઘરના ૧૨ સભ્યોએ મતદાન કર્યું હતું અને ૧૮૮ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પણ મતદાન કર્યું હતું, પરંતુ આજે ઈવીએમમાં મત ગણતરી દરમિયાન તેમાંથી માત્ર ૧૧ જ મત નીકળ્યા છે. જેથી કોંગ્રેસના ચૂંટણી એજન્ટે ઈવીએમમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે.
જ્યારે કોંગ્રેસના કાર્યકરનો આક્ષેપ છે કે કોઈ રાજકીય પાર્ટીએ ઈવીએમમાં ચેડા કર્યા છે, આ ચૂંટણીમાં કેવી રીતે મત ગાયબ થઈ જાય? મારી માગ છે કે અરવલ્લી તાલુકા પંચાયતની ચૂંટણી રદ થવી જોઈએ અને ફરીથી બેલેટ પેપર પર ચૂંટણી થવી જોઈએ.