માછીમારોને ડિઝલ ઓઈલ પર વેટ માફી માટે ૧૫૦ કરોડ

ગુજરાત રાજ્યનું ૭૭મું બજેટ રજૂ કરાયું-રાજ્યના મત્સ્ય ઉદ્યોગ સાથે સંકાળેલા લોકો માટે બજેટમાં અનેક યોજનાઓની નીતિન પટેલ દ્વારા જાહેરાત કરાઈ
ગાંધીનગર, ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યનું આ ૭૭મુ બજેટ છે, જેને ઐતિહાસિક બજેટ ગાણાવવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત માટે નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. આ માટે વિશેષ ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરાઈ છે.
બજેટની અંદર તેમણે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ સાથે સંકાળેલા લોકો માટે અનેક યોજનાઓની જાહેરાત કરી છે. માછીમારો અને તેની સાથે જાેડાયેલા લોકો તેમજ તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટમાં વિવિધ જાેગવાઇઓ કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારનાં ૧૦ હજાર માછીમારોને હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે રૂ. ૧૫૦ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.
નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોનો વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કિંગ સુવિઘાઓ, મત્સ્ય પકડાશના સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૯૭ કરોડની બજેટમાં જાેગવાઈ કરાઈ છે.
દરિયાકાંઠાના વિસ્તારના માછીમારોને ઓ.બી.એમ. મશીનની ખરીદી ઉપર સહાય આપવા રૂ. ૧૫ કરોડની જાેગવાઇ કરાઈ છે. ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં મત્સ્ય ઉતરાણ માટે ફલોટીંગ જેટી બનાવવા રૂ. ૫ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.
માછીમાર ભાઈઓને જમ્બો પ્લાસ્ટિક કેટ તથા મેન્યુઅલ મટિરિયલ હેન્ડલીંગ સ્ટેકર ખરીદી ઉપર સહાય આપવા માટે રૂ. ૩ કરોડ બજેટમાં ફાળવવામાં આવ્યા છે. જળાશયોમાં કેજ કલ્ચરની આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી મત્સ્ય ઉત્પાદનમાં વઘારો કરવા માટે સહાય આપવાની યોજના હેઠળ રૂ. ૨ કરોડની જાેગવાઇ કરાઈ છે.