ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત દુનિયાના ટોચના 50 ઈનોવેટીવ દેશોમાં સ્થાન: પ્રધાનમંત્રી
ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત દુનિયાના ટોચના 50 ઈનોવેટીવ દેશોમાં સ્થાન પામી ચૂક્યું છે અને તેમાં સતત સુધારો થઈ રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને ઈનોવેશનને સતત પ્રોત્સાહન આપવાના કારણે વિદ્યાર્થીઓ અને યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે અને સારી બાબત તો એ છે કે સંશોધન અને વિકાસ પ્રવૃત્તિમાં દીકરીઓની ભાગીદારી પણ સારી અને સંતોષકારક વૃધ્ધિ જોવા મળી રહી છે.
આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે દેશના યુવકોમાં આત્મવિશ્વાસ હોય તે જરૂરી છે. આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે કે જ્યારે યુવાનો પોતાના શિક્ષણ, પોતાનું જ્ઞાન, પોતાના કૌશલ્ય ઉપર પૂરતો ભરોસો રાખતા હોય, વિશ્વાસ હોય. આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે કે જ્યારે તેમને ખાત્રી થાય છે કે તેમનો અભ્યાસ, તેમને કામ કરવાની તક પૂરી પાડી રહ્યો છે અને જરૂરી કૌશલ્ય પણ આપી રહ્યો છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવી વિચારધારા સાથે બનાવવામાં આવી છે કે પ્રિ-નર્સરીથી માંડીને પીએચ.ડી સુધી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની દરેકે દરેક જોગવાઈઓને વહેલામાં વહેલી તકે અમલી બનાવવા માટે આપણે સૌએ હવે ઝડપથી કામ હાથ ધરવાનું છે. કોરોનાના કારણે જો કદાચ ગતિ ધીમી પડી હોય તો હવે તેની અસરમાંથી બહાર નિકળીને આપણે ગતિ વધારવાનું પણ જરૂરી બન્યું છે અને આગળ વધવું તે પણ જરૂરી છે.
આ વર્ષનું બજેટ પણ આ દિશામાં ખૂબ જ મદદગાર પૂરવાર થવાનું છે. આ વર્ષના બજેટમાં આરોગ્ય પછી જે બાબત ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે શિક્ષણ, કૌશલ્ય, સંશોધન અને ઈનોવેશન જ છે. દેશની યુનિવર્સિટીઓ, કોલેજો અને સંશોધન વિકાસ સંસ્થાઓમાં બહેતર એકરૂપતા આજે આપણાં દેશની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જે ગ્લુ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે કે જેના અંતર્ગત અત્યારે 9 શહેરોમાં આવશ્યક વ્યવસ્થા તૈયાર કરી શકાય.
આ બજેટમાં એપ્રેન્ટીસશીપ ઉપર, કૌશલ્ય વિકાસ ઉપર અને અપગ્રેડેશન ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તે અભૂતપૂર્વ છે. આ બજેટમાં આ બાબતે જેટલી પણ જોગવાઈઓ કરવામાં આવી છે તેમાં ઉચ્ચ શિક્ષણથી માંડીને દેશના અભિગમમાં એક મોટું પરિવર્તન આવવાનું છે. વિતેલા વર્ષોમાં શિક્ષણને રોજગારપાત્રતા અને ઉદ્યોગસાહસિકતાની ક્ષમતા સાથે જોડવાના જે પ્રયાસ કરવામાં આવ્યા છે તેનો આ બજેટના કારણે વ્યાપ વધશે.
આવા પ્રયોગોનું પરિણામ એ આવ્યું છે કે આજે વૈજ્ઞાનિક પ્રકાશનોની બાબતમાં ભારત ટોચના ત્રણ દેશમાં સ્થાન પામી ચૂક્યુ છે. પીએચ.ડી.નો અભ્યાસ કરનારા અને સ્ટાર્ટ-અપ વ્યવસ્થા બાબતે પણ આપણે દુનિયાના ટોચના ત્રણ દેશોમાં પહોંચી ચૂક્યા છે.