ચૂંટણી પંચનો પશ્ચિમ બંગાળમાં મોદીની તસવીરવાળા હોર્ડિંગ હટાવાનો આદેશ
કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન પેટ્રોલ પંપ પરથી સરકારી યોજનાઓની જાહેરાત હટાવવાનો નિર્દેશ ચૂંટણી પંચે આપ્યો છે. ચૂંટણી પંચે સરકારી યોજનાઓ સાથે જાેડાયેલી જાહેરાતોને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું છે.
ચૂંટણી પંચ દ્વારા જારી આદેશમાં કહ્યું કે પેટ્રોલ પંચો પર લાગેલી પીએમ નરેન્દ્ર મોદીની તસવીર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે, તેથી તેને ૭૨ કલાકની અંદર હટાવી દેવામાં આવે. તેને લઈને ટીએમસીના એક પ્રતિનિધિમંડળે આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં સત્તામાં રહેલી ટીએમસીએ કોરોના વેક્સિન પર મળી રહેલા સર્ટિફિકેટમાં પીએમ મોદીની તસવીર મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો હતો.
ટીએમસીના પ્રતિનિધિમંડળે કોરોના વેક્સિન સર્ટિફિકેટ અને પેટ્રોલ પંપો પર જાહેરાતોમાં લાગેલી પીએમ મોદીની તસવીરને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું અને તેના પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. પ્રતિનિધિમંડળમાં સામેલ મમતા સરકારના મંત્રી ફરહાદ હાકિમે તેને સરકારી મશીનરીનો દૂરુપયોગ ગણાવ્યો અને ચૂંટણી પંચને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી .