ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭૫ કેસ
ગાંધીનગર: રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. તેમાં પણ એક અઠવાડિયાથી રાજ્યમાં ૪૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોઁધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૫ કેસ નોંધાયા છે અને ૩૫૮ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે અમદાવાદમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક ૪,૪૧૨ થયો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ ૯૭.૪૦ ટકા થયો છે.
રાજ્યના ૪ જિલ્લામાં શૂન્ય કેસ છે.અત્યાર સુધી ૧૦,૦૪,૭૭૭ લોકોને પ્રથમ ડોઝ અને ૨,૧૭,૭૭૯ લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો ૧ માર્ચથી પ્રારંભ થયો છે. ત્યારે ૬૦ વર્ષથી વધુ વયના લોકો અને ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું છે. રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ તેમજ ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ ૬૦,૦૯૩ વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જાેવા મળી નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૨ લાખ ૭૧ હજાર ૨૪૫ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૪,૪૧૨ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૨ લાખ ૬૪ હજાર ૧૯૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૨૬૩૮ એક્ટિવ કેસ છે, જેમાંથી ૩૯ વેન્ટિલેટર પર જ્યારે ૨૫૯૯ દર્દીની હાલત સ્થિર છે.