Western Times News

Gujarati News

CAનો અભ્યાસ કરતી યુવતી પિતાની તબિયત બગડતાં પટાવાળાની નોકરી કરવા આવી

પુત્રીએ પિતાની તબિયત બગડી જતા પટાવાળાની નોકરી કરી -ચૂંટણી કામગીરી ફરજિયાત હોઈ પિતાની નાદુરસ્ત તબિયતને લીધે પુત્રીએ તેમના સ્થાને કામગીરી કરી-મોરબીમાં પિતા-પુત્રી સંબંધનો સંવેદનશીલ કિસ્સો

મોરબી, રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌ કોઈનું ધ્યાન કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કે પછી અન્ય પક્ષના નેતાઓ ઉપર રહ્યું. હેમખેમ ચૂંટણી પતી ગઈ પરિણામ પણ આવી ગયું ત્યારે વિજેતા ઉમેદવારો અને ચૂંટણી અધિકારીઓ ઉપર ધ્યાન ગયું. morbi-gujarat-local-body-election-father-daughter

પરંતુ આપણે આજે વાત કરવાના છે વાંકાનેરના એક મતદાન કેન્દ્રના પટાવાળાની. આ એક એવો કિસ્સો છે કે, જેનાથી તમામ દીકરીઓના બાપની છાતી ગદગદ ફૂલી જશે. આ ઘટનાની વિગત પ્રમાણે, વાંકાનેરની ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતી ૨૨ વર્ષીય મીરલ વ્યાસ નામની યુવતીએ વાંકાનેર તાલુકાના મહિકા મતદાન મથક ખાતે પટાવાળાની કામગીરી બજાવી છે.

નાયબ મામલતદાર પંકજદાન ગઢવીએ સોશ્યલ મીડીયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વાંકાનેરમાં રહેતા જયેશભાઇ વ્યાસ મધ્યાહન ભોજન સ્કીમમાં નોકરી કરે છે. અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જયેશભાઇ વ્યાસના નામનો સરકારી ઓર્ડર થયો કે, મહિકા મતદાન મથકમાં તેમને પટાવાળા તરીકે કામ કરવાનું છે.

પરંતુ અચાનક જયેશભાઇ વ્યાસની તબિયત લથડતા મીરલ વ્યાસ ચૂંટણી અધિકારી પાસે આવી હતી અને વાંકાનેર ખાતે અમારા રીસીવીગ ડિસ્પેચીગ સેન્ટર અમરસિહજી હાઈસ્કૂલ ખાતે કામગીરીમાં સૌ કોઈ વ્યસ્ત હતા. એટલામાં આશરે ૨૨ વર્ષની છોકરી અમારી પાસે આવી અને કહ્યું સાહેબ મારા પપ્પાનો ચૂંટણીમાં પટાવાળામાં ઓર્ડર છે.

પરંતુ ગઈ કાલે રાતથી એમની તબિયત ખરાબ છે. મારા પપ્પા કહેતા હતા કે, ચૂંટણીમાં કામગીરી ફરજિયાત છે. એટલે મારા પપ્પા વતી હું પટાવાળાની ફરજ બજાવવા આવી છું. મને ઓળખપત્ર બનાવી આપો. જે સાંભળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા આટલી વાત એ છોકરી એ કરી પછી નાયબ મામલતદારે છોકરીને પુછ્યુ કે, બેન તમે ભણેલાં છો. ત્યારે એ છોકરી બોલી કે, સાહેબ હું સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ના છેલ્લા વર્ષમાં છું.

હાજર રહેલા તમામ લોકો થોડીક ક્ષણો સાવ સુનમુન થઈ ગયા પછી એ છોકરી પોતાના પપ્પા વતી પટાવાળા તરીકે ચૂંટણી ફરજ બજાવવા ઓળખપત્ર લઈ અને જે મતદાન મથકે તેના પપ્પાની ફરજ હતી ત્યાં પટાવાળા તરીકે ફરજ બજાવવા પહોંચી. એક બાપ માટે દીકરીનો આ પ્રેમનો કિસ્સો સાંભળીને દરેક દીકરીના પિતાની છાતી ગદગદ ભૂલી જાય અને તે યુવતી માટે સન્માન થઇ જાય. ‘વંદન છે આવી દીકરીઓ ને’ હાલ આ પોસ્ટ મોરબી સહિતના સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી અને ચોવીસ કલાકમાં જ મીરલને સેલિબ્રિટી બનાવી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.