Western Times News

Gujarati News

પ્રેમમાં પાગલ યુવકે યુવતીને ફેંટ મારીને ધમકી આપી

અમદાવાદ: શહેરના વાડજમાં છેડતી, સેટેલાઇટમાં દુષ્કર્મના બનાવ બાદ છેડતીનો વધુ એક બનાવ વસ્ત્રાપુર વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પ્રેમ સંબંધ તોડી દેતા પ્રેમમાં પાગલ યુવકે પકવાન ચાર રસ્તા નજીક યુવતીને ગંદી ગાળો આપી હતી. જાે તું મારી સાથે વાત નહીં કરે તો તને જાનથી મારી નાંખીશ,’ એવી ધમકી આપીને યુવક યુવતીના મોઢાના ભાગે ફેંટ મારીને ફરાર થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે સિંધુ ભવન રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરતી એક યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીની ફરિયાદ પ્રમાણે તેણી અગાઉ જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.

બાદમાં યુવતીએ અહીંથી નોકરી છોડીને અન્ય જગ્યાએ નોકરી શરૂ કરી હતી. છેલ્લા ચારેક મહિનાથી આરોપી યુવતી જ્યાં પણ રસ્તામાં મળે ત્યાં તેને મનફાવે તેમ બોલીને હેરાન પરેશાન કરતો હતો. આ કારણે યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. આ સાથે ફોન પર વાત કરવાની પણ ના કહી દીધી હતી. બીજી તરફ યુવતી નોકરીથી ઘરે જતી હતી ત્યારે આરોપી યુવક તેનો પીછો કરવાની શરૂઆત કરી હતી અને અવારનવાર તેને પરેશાન કરતો હતો.

ચોથી માર્ચના દિવસે સાંજે યુવતી નોકરી પરથી જ્યારે ઘરે પરત જઈ રહી હતી ત્યારે આરોપીએ તેણીને પકવાન ચાર રસ્તા પાસે રોકી હતી. રસ્તા વચ્ચે યુવકીને રોકીને યુવકે પ્રશ્નો પૂછ્યો હતો કે તે મારો મોબાઇલ નંબર કેમ બ્લોક કર્યો છે? તું મારો નંબર કેમ અનબ્લોક કરતી નથી? આ દરમિયાન યુવતીએ તેની સાથે કોઈ પણ સંબંધ રાખવાની ના પાડી દેતાં આરોપી ઉશ્કેરાઇ ગયો હતો.

જે બાદમાં તે યુવતીને મનફાવે તેમ બોલવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે યુવતીના મોઢા પર ફેંટ મારી હતી. જે બાદમાં તે માનસી સર્કલ તરફ ફરાર થઈ ગયો હતો. યુવતીએ આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.