અમદાવાદ અને શ્રીનગર વચ્ચે એપ્રિલથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે
અમદાવાદ, જમ્મુ એન્ડ કાશ્મીર ટુરિઝમ વિભાગ દ્વારા શહેરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 28 એપ્રિલના રોજથી અમદાવાદથી શ્રીનગર વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની ખૂબજ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ ડાયરેક્ટર ફ્લાઇટનો સવારે 5.55 અને સાંજે 8.20 કલાક રહેશે.
કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો છે ત્યારે જમ્મુ એન્ડ કાશ્મીર ટુરિઝમના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંકટના આ સમયમાં ગુજરાતના લોકોનો સૌથી વધુ સહયોગ પ્રાપ્ત થયો છે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન 1,58,000 લોકોએ કાશ્મીરની મુલાકાત લીધી હતી, જેમાંથી આશરે 60,000 જેટલાં ગુજરાતીઓ છે. એક અંદાજ મૂજબ જમ્મુ અને કાશ્મીર ફરવા જવામાં દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો મોખરે છે.
મહત્વપૂર્ણ છે કે અમદાવાદથી સીધી ફ્લાઇટથી પ્રવાસીઓની સગવડતામાં વધારો થશે અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે વધુ પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર જવાનું પસંદ કરશે. કોરોના મહામારી હળવી થતાં હવે ધીમે-ધીમે લોકો પ્રવાસ ઉપર જવાનું પસંદ કરી રહ્યાં છે અને પ્રવાસન ક્ષેત્ર ઝડપથી સુધારા તરફ આગળ વધી રહ્યો છે.