જ્યોતિષીઓએ સોની પરિવાર પાસેથી ૩૨ લાખ ખંખેર્યા હતા
વડોદરા: વડોદરામાં સામુહિક આપઘાત કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું છે. જેમાં આ નવો ખુલાસો થયો છે.
ભાવિન સોનીનાં નિવેદનમાં કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવાર જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો. જ્યોતિષીઓએ પરિવાર પાસેથી ૩૨ લાખ રૂપિયા ખંખેર્યા હતા.
પરિવારને સંકળામણમાંથી બહાર કાઢવાનાં નામે જ્યોતિષીઓએ નાણાં ખંખેર્યા હતા. જ્યોતિષીઓને કારણે પરિવાર આર્થિક ભીંસમાં મુકાયો હતો. નાણાં ફસાતાં પરિવારે સામુહિક આપઘાતનો ર્નિણય કર્યો હતા. આ ઘટના બદલ અમદાવાદ-વડોદરાનાં ૯ જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભાવિને પોલીસને કેટલાક જ્યોતિષીઓનું નામ આપ્યું છે. જેમાં ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષ હેમંત જાેશીનું નામ ખૂલ્યું છે.
હેમંત જાેશીએ અમદાવાદના જ્યોતિષ સ્વરાજ જાેશી સાથે નરેન્દ્ર સોનીનો ભેટો કરાવ્યો હતો. બંનેએ મળીને સોની પરિવાર પાસેથી ૧૩.૫૦ લાખ ખંખેર્યા હતા. તો અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જાેશીએ ૨ લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના રાણીપમાં રહેતા
જ્યોતિષ સમીર જાેશીએ ૫ લાખ પડાવ્યા હતા. આ વચ્ચે સોની પરિવાર પુષ્કરમાં દર્શન કરવા ગયો હતો, ત્યાં પણ જ્યોતિષને ૪ લાખ આપ્યા હતા.
પરિવાર પુષ્કરમાં જ્યોતિષ વિધિ કરવા જાય તે પહેલાનો મોતને ગળે લગાવ્યું હતું. તો વડોદરાના પાણીગેટ આયુર્વેદિક ચાર રસ્તા પાસે રહેતા જ્યોતિષ સાહિલ વોરાએ તંત્રમંત્રના નામે સોની પરિવાર પાસેથી ૩.૫૦ લાખ પડાવ્યા હતા.
આ ઉપરાંત અમદાવાદના જ્યોતિષ વિજય જાેશી અને અલ્કેશે મળી ૪.૫૦ લાખ પડાવ્યા હતા. આમ, આતમામ જ્યોતિષીઓએ સોની પરિવારને વિશ્વાસમાં લઈ વાસ્તુદોષ કરાવવાના બહાને ૩૫ લાખ પડાવ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે સામુહિક આપઘાતનો ર્નિણય પરિવારનાં મોભી નરેન્દ્ર સોનીનો હતો. ૪ વર્ષનાં પૌત્રને દાદા નરેન્દ્ર સોનીએ દવા પીવડાવી હતી. પોલીસે મૃતક નરેન્દ્ર સોની સામે પણ હત્યાનો ગુનો નોંધ્યો છે. પરિવારે સામુહિક આપઘાત પહેલાં સ્યુસાઇડ નોટ લખી હતી. સોની પરિવાર પાસેથી ચાર પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી છે. પોલીસે આ સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં એક જ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના છ સભ્યો પૈકી ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે પરિવારે કોલ્ડડ્રિક્સમાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.