નવસારીમાં 500-બેડની અદ્યતન સુવિધાઓ સાથે નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ
પહ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત અને દાનવીર શ્રી એ એમ નાયકના ટ્રસ્ટ દ્વારા 500-બેડની હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં લોકો માટે આશીર્વાદરૂપ બનશે
નવસારી, ભારતના આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકયા નાયડુએ આજે નવસારીમાં નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. લાર્સન એન્ડ ટૂબ્રોના ચેરમેન શ્રી એ એમ નાયકે વ્યક્તિગત ક્ષમતા સાથે સ્થાપેલ આ હોસ્પિટલ આઠ એકરમાં પથરાયેલા એ એમ નાયક હેલ્થકેર કોમ્પ્લેક્સમાં આકાર લેશે,
જે ટૂંક સમયમાં ઉદઘાટન થનારી નિરાલી કેન્સર હોસ્પિટલની લગોલગ હશે. આરોગ્યને પ્રોત્સાહન આપવાના અને સમુદાયની સુખાકારી સુનિશ્ચિત કરવાના લક્ષ્યાંક સાથે સ્થાપિત નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (એનએમએમએટી) અંતર્ગત સ્થપાયેલ આ હોસ્પિટલ શ્રી નાયકના લાંબા ગાળાના સેવાભાવી અને સમાજોપયોગી કાર્યને અનુરૂપ છે.
આ સમારંભમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં લાર્સન એન્ડ ટૂબ્રોના ગ્રૂપ ચેરમેન શ્રી એ એમનાયક, એલએન્ડટીના સીઇઓ અને એમડી શ્રી એસ એન સુબ્રમન્યન, નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના બોર્ડના સભ્ય શ્રી જિજ્ઞેશ નાયક અને લાર્સન એન્ડ ટૂબ્રોના એડવાઇઝરઅને ઇકોમ મેમ્બર શ્રી વાય એસ ત્રિવેદી સામેલ હતા.
આ પ્રસંગે નવસારીના સાંસદ શ્રી આર સી પાટિલ અને ગુજરાત સરકારના સામાજિક મંત્રી શ્રી ઇશ્વરભાઈ પરમાર પણ ઉપસ્થિત હતા. પોતાના વિઝનને સુસંગત રીતે ટ્રસ્ટ દ્વારા નિદાન અને સારવારમાં અનિશ્ચિતતા દૂર કરવા, એની ક્ષમતામાં વધારો કરવા, સંપૂર્ણ સારવારને પ્રોત્સાહન આપવા, પીડાને ઘટાડવા અને સ્થિતિમાં ઝડપથી સુધારો કરવાનો સતત પ્રયાસ કરશે.
આ પ્રસંગે લાર્સન એન્ડ ટૂબ્રોના ચેરમેન શ્રી એ એમ નાયકે કહ્યું હતું કે, “સમુદાયની સેવા કરવાની પ્રેરણા મને મારા પિતા પાસેથી મળી હતી, જ્યારે હેલ્થકેર તરફની દિશા મારી પૌત્રી નિરાલીથી મને મળી છે. મને ગર્વ છે કે હું મારો થોડો સમય, ઊર્જા અને સંપત્તિનો ઉપયોગ મારી જન્મભૂમિમાં હેલ્થકેર અને શૈક્ષણિક માળખાગત સુવિધાઓ ઊભી કરીને જરૂરિયાતમંદોના ઉત્થાન માટે કરી શકું છું.”
એડલ ગિવ હુરુન ઇન્ડિયાના દાનવીરોની વર્ષ 2020ની યાદીમાં ‘ભારતના સૌથી વધુ ઉદાર પ્રોફેશનલ મેનેજર’ તરીકેનું સન્માન મેળવનાર શ્રી નાયક હેલ્થકેર, શિક્ષણ અને કૌશલ્ય-નિર્માણના ક્ષેત્રમાં સમાજોપયોગી સેવાઓમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.
શ્રી નાયકે ઉમેર્યું હતું કે, “આ ગર્વની ક્ષણ છે કે, ભારતના આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુએ આજે નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો છે. એકવાર આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થશે અને એ કાર્યરત થશે પછી મને ખાતરી છે કે, આ સંપૂર્ણ દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ અને વાજબી ખર્ચે ટર્શરી હેલ્થકેર સેન્ટર બનશે.”
અગ્રણી હેલ્થકેર પ્રોવાઇડર અપોલો હોસ્પિટલ્સ નિરાલી મલ્ટિ સ્પેશિયાલ્ટી હોસ્પિટલની કામગીરી સંભાળશે. 500-બેડની આ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ તથા અનુભવી ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની ટીમ સાથે સજ્જ હશે. આ હોસ્પિટલ સેવાની વ્યાપક શ્રેણીથી સજ્જ હશે, જેમાં એન્ડોક્રાઇનોલોજી, નેફ્રોલોજી, ડાયાબિટોલોજી, રેસ્પિરેટરી મેડિસિન અને નિયમિત સમયાંતરે હેલ્થ ચેક-અપ સામેલ છે.
જનરલ સર્જરી જેવી અદ્યતન પ્રક્રિયાઓ પણ પ્રદાન કરવામાં આવશે, જેમાં ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને યુરોલોજી, કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરેસિક સર્જરી, નીયોનેટોલોજી સહિત પીડિયાટ્રિક્સ, ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, ઓર્થોપેડિક સારવાર અને ઇમરજન્સી, ગંભીર બિમારીની સારવાર અને ટ્રોમા કેર સામેલ હશે.
નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જેમાં મુંબઈના પવઈમાં મલ્ટિ-ડાઇગ્નોસ્ટિક મેડિકલ સેન્ટર, સુરતમાં એક રેડિયેશન સેન્ટર અને કેટલાંક ગ્રામીણ જિલ્લાઓમાં સેવા આપતા મોબાઇલ મેડિકલ યુનિટ્સ સામેલ છે.