વિજય માલ્યાના પ્રત્યાર્પણ કાયદાકીય રીતે કરાશે : બ્રિટન
લંડન: ભારતમાં બ્રિટનના હાઈકમિશ્નર એલેક્સ એલિસે ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે સ્થિતિ સ્પષ્ટ કરી ભારતની ચિંતામાં વધારો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, તેઓ ભ્રષ્ટાચારના આરોપીઓના પ્રત્યાર્પણ મામલે ભારતીયોની ઉત્સુકતા અને ઈચ્છાથી વાકેફ છે પણ તેને કાયદાકીય રીતે જ પુરી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી. ભારતમાં નિમાયેલા નવા બ્રિટનના નવા રાજદૂત એલેક્સ એલિસને વધુમાં જણાવ્યું હતું કે, પ્રત્યાર્પણ વહીવટી અને ન્યાયિક પ્રક્રિયા હોવાથી આ વિવિધ કોર્ટોમાં આ પ્રક્રિયા ચાલશે. બ્રિટનના ગૃહ સચિવે પોતાનું કામ આટોપી દીધું છે.
ભારત માલ્યાનું ઝડપથી પ્રત્યાર્પણ કરવા માટે બ્રિટન પર દબાણ વધારી રહ્યું છે. બ્રિટનની સુપ્રીમ કોર્ટ ભારતમાં પ્રત્યાર્પણ વિરૂદ્ધની માલ્યાની અપીલ ફગાવી ચૂકી છે. આ અપીલ ફગાવી દેવામાં આવ્યા પછી ભારત બ્રિટન પર સતત દબાણ વધારી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા માર્ચ, ૨૦૧૬થી બ્રિટનમાં છે. ૮ એપ્રિલ, ૨૦૧૭ના રોજ સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા પ્રત્યાર્પણ વોરન્ટ ઇશ્યુ થયા પછી માલ્યા જામીન પર બહાર છે.