શહેરના વસ્ત્રાલમાં ભાડૂઆતે દુકાન માલીકને મોતને ઘાટ ઉતારી દીધો
અમદાવાદ: અમદાવાદમાં કાયદાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલામાં એક સાથે ત્રણ હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવતા પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠી રહ્યા છે. સોલા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બાદ વસ્ત્રાલમાં પણ એક હત્યાની ઘટના બની હતી. નજીવી બાબતમાં દુકાન માલીકને ભાડૂઆતે તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. દુકાન માલીકના ખૂન બાદ વિસ્તારમાં સનસની મચી ગઇ હતી. તો બીજી તરફ રામોલ પોલીસે હત્યાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ દુકાનના માલીક અને ભાડૂઆત વચ્ચે બોલાચાલી થઇ હતી. બંને વચ્ચે કોઇ મુદ્દે વિવાદ થતાં બોલાચાલી ઉગ્ર બની હતી અને ભાડૂઆતે દુકાનના માલીકને મોતના ઘાટ ઉતારી દીધો. હત્યાની ઘટના વસ્ત્રાલના મેટ્રો મોલ પાસે આવેલા પાનપાર્લરમાં બની હતી.મૃતકની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વસ્ત્રાલ ખાતે આવેલ વેદશ્રી રેસીડેન્સી એન્ડ શોપિંગ સેન્ટરના કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પોતાની માલીકીની દુકાન ધરાવે છે. જે દશરથભાઇ પ્રહલાદભાઇને ભાડે આપી હતી. દશરથભાઇ દુકાન યમરાજ પાન પાર્લરના નામથી ચલાવતા હતા.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ બિપિન પ્રજાપ્રતિ સાડા આઠ વાગે ઘરે આવી જતા હોય છે પરંતું ગત રાતે સમયસર ઘરે ન પહોંચતા ફોન કર્યો હતો. જેમાં બિપિન પ્રજાપતિએ દુકાનનું ભાડું બાકી હોવાથી લેવા આવ્યો છું તેમ જણાવ્યું હતું. મહિલાના પતિએ ફોનમાં જણાવ્યું હતું કે, હું આપણી વસ્ત્રાલ ખાતેની દુકાનનું છેલ્લા ત્રણ મહિનાનું ભાડુ બાકી છે
જે લેવા આવ્યો છું અને દુકાનમાં બેઠો છું, ભાડું આપે એટલે લઇને અડધો પોણા કલામાં આવું છું. જાે કે એકાદ કલાક બાદ ઘરે પરત ન આવતા મૃતકની પત્નીએ ફરી ફોન કર્યો હતો. જાે કે ફોન બંધ આવતા રેસીડેન્સીમાં રહેતા એક ઓળખાતીને ફોન કર્યો હતો.ત્યારબાદ ઓળખાતીએ બિપિનભાઇના પત્નીને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી હતી. ઘટનાસ્થળે જાેતાં મહિલાનો પતિ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારોના ઘા હતા. આ અંગે પોલીસને જાણ કરતા રોમોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભાડુની લેતી દેતીમાં દુકાન માલીકની હત્યા થઇ હોવાનું જાણવ્યા મળ્યું છે. આ મામલે પોલીસે દશરથભાઇ પ્રહલાદજી ઠાકોર અને હિતેન્દ્રસિંહ ભવાનસિંહ પરમાર નામના બે આરોપીઓને હિરાસતમાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.