એક સમયે અનુપમ ખેર રેલવે પ્લેટફોર્મ પર સૂઈ રહેતા હતા
મુંબઈ: અનુપમ ખેરને બોલિવૂડના ઉત્તમ એક્ટર્સમાંથી ગણવામાં આવે છે. એક્ટિંગના મામલે અનુપમ ખેરની વિદેશમાં પણ ફેન ફોલોઈંગ છે. ૭ માર્ચના રોજ અનુપમ ખેરનો જન્મદિવસ છે. બોલિવૂડના ઉત્તમ કલાકારોમાંથી એક અનુપમ ખેર ૭ માર્ચ ૨૦૨૧ના રોજ પોતાનો ૬૬મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. ફિલ્મ્સની દુનિયામાં અનુપમ ખેરને આશરે ૩૦ વર્ષથી વધારે થઈ ગયા છે તેણે અલગ-અલગ ભાષાઓની ૫૦૦થી વધારે ફિલ્મ્સમાં કામ કર્યું છે.
અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ જીતી ચૂકેલા અનુપમે સારાંશ, તેજાબ, કર્મા, હમ આપકે હૈ કોન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, અ વેડન્સ્ડે અને સ્પેશ્યિલ ૨૬ જેવી ઉત્તમ ફિલ્મ્સમાં કામ કર્યું છે. અનુપમ ખેરનો જન્મ એક કાશ્મીરી પંડિત ફેમિલીમાં થયો હતો. જાેકે, તેમનો પરિવાર પણ ખૂબ જ પહેલાથી કાશ્મીર છોડીને શિમલામાં આવી ગયો હતો. ડીએવી સ્કૂલમાં અભ્યાસ અને ગ્રેજ્યુએશન કર્યા પછી જ અનુપમ ખેર એક્ટિંગ શીખવા માટે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લઈ લીધું હતું. એક્ટિંગ શીખ્યા પછી અનુપમ ખેર મુંબઈ ફિલ્મ્સમાં કામ કરવાનું સપનું લઈને આવ્યો હતો. જાેકે, અહીં પર તો તેને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.
અનુપમ ખેરે જણાવ્યું કે જ્યારે તેમને કામ નહોતું મળી રહ્યું ત્યારે તેની પાસે રહેવાનું પણ કોઈ જ ઠેકાણું નહોતું અને તે પ્લેટફોર્મના બાંકડા પર જ સૂઈ જતો હતો. ભલે અનુપમ ખેરે પોતાની યુવાનીના દિવસો ખૂબ જ ગરીબીમાં પસાર કર્યા હોય પરંતુ આજે લોકોને સાંભળીને જ નવાઈ લાગે છે કે આજે અનુપમ ખેર પાસે ૪૦૦ કરોડ રુપિયા કરતા વધારાની સંપત્તી છે. અનુપમ પાસે મુંબઈમાં બે મોંઘા બંગલા છે અને અઢળક કાર્સ છે. આ ઉપરાંત તેણે શિમલામાં પણ એક શાનદાર ઘર ખરીદ્યું છે.
મોટાભાગના લોકો એ વાતથી અજાણ હશે કે અનુપમ ખેર ચહેરાના લકવા એટલે કે ફેશિયલ પેરેલિસિસનો શિકાર થઈ ગયો હતો. આ વાત તે સમયની છે જ્યારે તેઓ ‘હમ આપ કે હૈ કૌન’નું શૂટિંગ કરી રહ્યા હતાં. જાેકે, ત્યારે પણ અનુપમ ખેરે ફિલ્મનું શૂટિંગ રોક્યું નહોતું. આ ફિલ્મના શૂટિંગ પછી અનુપમે આ મુશ્કેલી સામે છુટકારો મેળવ્યો હતો. મોટાભાગના લોકો એ વાત નહીં જાણતાં હોય કે અનુપમ ખેરના કિરણ ખેર સાથે બીજા લગ્ન છે. અનુપમ ખેરના પહેલા લગ્ન મધુમતી કપૂર સાથે થયા હતાં.