“ભારતીય પરંપરામાં ગુરુજનો, વિદ્વાનોનું સ્થાન હંમેશા ઉંચુ રહેલું છે.” – રાજ્યપાલ
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવ સારસ્વત અને દસ શિક્ષકોને તથા એક વિશિષ્ટ સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત ” નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ”મા શિક્ષકની ભૂમિકા વિષય પર જી.એમ.ડી.સી ઓડિટોરિયમ હોલ અમદાવાદ ખાતે એક પરિસંવાદ યોજાયો હતો.જેમા રાજ્યપાલ શ્રી ના હસ્તે ૯ શિક્ષકોને સારસ્વત એવોર્ડે, ૧૦ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા એક વિશિષ્ટ સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.જેમાં સન્માન પ્રશસ્તિપત્ર, શિલ્ડ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં શિક્ષણ, સાહિત્ય, સંશોધન,સેવાક્ષેત્રે,સમાજ સેવાના ક્ષેત્રે,તજજ્ઞ તરીકે,ગ્રંથ પ્રકાશન, પત્રકારત્વમાં નિષ્ણાત અને પુસ્તક લેખન અને સંપાદન કાર્ય કરનાર, પ્રાધ્યાપક તરીકે સેવા આપતા શિક્ષકોને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનવામાં આવ્યા હતા.
સન્માનિત કરવામાં આવેલા શિક્ષકોને અભિનંદન પાઠવતાં રાજ્યપાલ શ્રી એ જણાવ્યું કે: ” ભારતમાં પ્રાચીન સમયમથી અધ્યાપકો, ગુરુજનો અને રાષ્ટ્ર નિમાર્ણમા જેનો અમૂલ્ય ફાળો રહેલો છે તેવા શ્રેષ્ઠીઓનું સન્માન કરવું તે આપણી પ્રાચીન પરંપરા રહેલી છે.
ભાવિ પેઢીને ભણતર સાથે જીવન ઘડતરનું શિક્ષણ આપતા શિક્ષકોનું સ્થાન હંમેશા ઉંચુ રહ્યું છે. આપણી વૈદિક શિક્ષાની પરંપરા ભૂલાતી જાય છે અને તેના કારણે માતૃભાષા વિલાતી જાય છે તે દુઃખદ છે
તેમ જણાવતા રાજ્યપાલ શ્રી એ દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવાની નવી શિક્ષણ નીતિની પહેલ પર જે ભાર મૂકવામાં આવ્યો છે તેને બિરદાવી હતી.
નવી શિક્ષણનીતિમા માતૃભાષામા જ અભ્યાસ સાથે બાળકની પ્રતિભાને વેગ મળે તેવા કૌશલ્યનું પણ વિશેષ મહત્વ રાખવામાં આવ્યું છે તેમ જણાવતા રાજ્યપાલ શ્રી એ જણાવ્યું કે ગુરુઓ જ ચિરાગ બનીને બાળકના જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે,જેમા બાળકના પ્રથમ ગુરુ તેમના માતા છે,બીજા ગુરુ તેમના પિતા છે અને ત્રીજા ગુરુ શિક્ષક છે.દરેકના જીવનમાં આ ત્રણ ગુરુ હોવા જરુરી છે.
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિદ્યાદાનની અમૂલ્ય પ્રવૃત્તિઓને બિરદાવતા રાજ્યપાલ શ્રી એ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આ પવિત્ર મિશન જે ચલાવવામા આવી રહ્યું છે તે ભાવિ પેઢીના નિર્માણમા પાયાનું જ્ઞાન સીંચવાનું કામ કરી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં ઓછી સાધન સુવિધાઓની વચ્ચે બાળકોને શિક્ષાનું યોગદાન આપતા કર્મનિષ્ઠ શિક્ષકો સન્માનને પાત્ર છે તેમ જણાવીને એવોર્ડ મેળવેલ તમામને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો.મફતલાલ પટેલે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. પૂર્વ મુખ્ય સચિવ ગુજરાત રાજય શ્રી પી.કે.લહેરીએ પ્રાસંગિક ઉદબોધનમા નવી શિક્ષણનીતીની માહિતી આપી હતી.આ પ્રસંગે ડૉ.મફતલાલ પટેલ દ્વારા લોકડાઉનના સમયમાં લખાયેલ બે પુસ્તકોનુ રાજ્યપાલ શ્રી ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
એવોર્ડ સમારંભમાં આ પ્રસંગે માનવ સાધના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અનારબેન પટેલ, શ્રી જયેશભાઈ પટેલ, સમગ્ર રાજયમાથી શિક્ષકો, વિદ્વાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.