જળસંગ્રહ ક્ષમતા વધારી ગુજરાતે જળક્રાંતિના નક્કર કદમ લીધા
ગાંધીનગર, ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓને શુભેચ્છા પાઠવતા કહ્યુ હતું કે બહેનોના સહયોગથી જ ગુજરાતનો વિકાસ અવિરત ચાલી રહ્યો છે. વિધાનસભા ગૃહમાં જળસંગ્રહ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાનથી જળ સંગ્રહ ક્ષમતા વધારી ગુજરાતે જળક્રાંતિના નક્કર કદમ ઉઠાવ્યા છે.
રાજ્યમાં પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડ્યુ છે. જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે ત્યારે આપણી પૂરાતન પરંપરાઓથી વરસાદી પાણીના ભૂગર્ભ જળસંગ્રહની પદ્ધતિને નૂતન અભિગમસાથે જળ સુરક્ષા માટે રાજ્ય સરકાર લોકભાગીદારીથી સામૂહિક પ્રયાસો કરી રહી છે.
પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નવસારી જિલ્લામાં ૪૦ અને વલસાડ જિલ્લામાં ૭૧ તળાવો ઊંડા અને પહોળા કરવામાં આવ્યા છે. પરિણામે નવસારી જિલ્લામાં ૧૯.૦૫ મી.ઘનફૂટ અને વલસાડ જિલ્લામાં ૧૭.૬૫ મી.ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. જે માટે નવસારી જિલ્લામાં રૂા.૬.૮૯ લાખ તથા વલસાડ જિલ્લામાં રૂા.૩૮.૩૧ લાખ ખર્ચ થયો છે.