Western Times News

Gujarati News

પ્રેમ પ્રકરણમાં વટવા રીંગરોડ પર કોન્સ્ટેબલે ફાયરીંગ કર્યુ

Files Photo

ફાયરીંગ કરનાર પોલીસ કોન્સ્ટેબલ આઠ મહીનાથી ફરજ પર ગેરહાજર

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એક વખત જાહેરમાં ફાયરીંગની ઘટના બની છે. શનિવારે સાંજે સમાધાન માટે ભેગા થયેલા બે પક્ષો વાતચીત કરતા હતા એ દરમિયાન ઉશ્કેરાઈને એક પોલીસ કર્મીએ તેની રીવોલ્વરમાંથી ફાયરીંગ કરતા એક વ્યક્તિ ઘાયલ થયો હતો આ ઘટના બાદ પોલીસે પોલીસ કર્મી સહીત તેના સાગરીતો વિરુધ્ધ ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

થોડા દિવસો અગાઉ અડાસર ગામનો રમેશ ગમારા નામનો યુવક એક યુવતીને ભગાડી ગયો હતો જે અંગે બે પરીવાર વચ્ચે વિખવાદ ચાલતો હતો અને દસ દિવસ અગાઉ તેમની વચ્ચે બબાલ થતાં મામલો અસલાલી પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. બાદમાં શનિવારે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યુવતીના સગા પેથા ભરવાડ (મહાદેવપુરા, વટવા)ને મળવા નવઘણ મુમા ભરવાડ નામના પોલીસ કર્મીએ બોલાવ્યા હતા

જયાં તેની સાથે તેના ભાઈ રમેશ, અક્ષય, મોન્ટુ કારમાં તથા અન્ય બે શખ્સો એક્ટિવા પર આવ્યા હતા આ તમામ શખ્સો વટવા રીંગ રોડ પર આવેલી ચા ની કીટલીએ સમાધાન કરવા માટે મળ્યા હતા.

દરમિયાન નવઘણે ગાળાગાળી કરી હતી જયારે તેની સાથેના શખ્સો પણ તલવાર, લાકડી જેવા હથિયારો લઈ તુટી પડયા હતા. દરમિયાન પોલીસ કર્મી નવઘણે સાથે લાવેલી રીવોલ્વરમાંથી ફાયરીંગ કરતા પેથાભાઈના પેટમાં ગોળી વાગતાં તે ઢળી પડયા હતા. ગોળીનો અવાજ સાંભળી આસપાસના લોકો તથા રાહદારીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી.

આ તકનો લાભ લઈ નવઘણ અને સાથીઓ રફુચક્કર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસ તુરંત આવી પહોચી હતી અને ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. નવઘણ દોઢ વર્ષ અગાઉ સુરતથી બદલી થઈ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે આવ્યો હતો.

જાેકે આઠ મહીનાથી તે ગેરહાજર હતો. યુવતીને ભગાડી જવાના બનાવને લઈ પેથા ભરવાડ તથા અન્યોએ ૧૯ ફેબ્રુઆરીએ નવઘણના કાકા ઉપર હુમલો કરતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેનો બદલો લેવા તેણે ફાયરીંગ કર્યુ હતું ફાયરીંગમાં ઉપયોગમાં લેવાયેલી રીવોલ્વર પ્રાઈવેટ હોવાનું બહાર આવ્યુ છે તેમ વટવા પી આઈ સીસારાએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.