બ્રૂકલીનમાં બેકહોએ મહિલા નર્સને અડફેટ લઈ લીધી હતી
બ્રૂકલીન: બ્રૂકલીનમાં એક ૬૧ વર્ષીય નર્સને બેકહો એ અડફેટે લેતા તેનું મોત થયું છે. શુક્રવારે ઈસ્ટ ન્યૂયોર્કમાં બેકહોએ (ખાડો ખોદવાનું મશિન) આ મહિલાને અડફેટે લીધી હતી જેના કારણે મહિલા નીચે પડી ગઈ હતી અને બેકહો તેમના ઉપરથી પસાર થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માત વિડીયોમાં કેદ થઈ ગઈ હતી. શનિવારે આ વિડીયો જાહેર કરવામાં આવ્યો જેમાં જાેવા મળે છે કે એસ્ટેલ ડેવિસ શુક્રવાર બપોરે પોતાની નર્સની ડ્યુટી માટે ન્યૂ લોટ્સ અને વાન સિન્ડેરેન એવન્યુના ઈન્ટરસેક્સનમાંથી પસાર થઈ રહ્યા છે.
ચાલતી વખતે ડેવિસ પોતાના હાથમાં રહેલા ફોન કે પછી અન્ય કોઈ વસ્તુ તરફ નીચુ નાંખીને ચાલી રહ્યા છે. તેઓ જ્યારે સાઈડવોક તરફ પહોંચે ત્યારે તેમને ખ્યાલ આવતો નથી કે એક બેકહો રિવર્સમાં આવી રહ્યું છે અને તેના ડ્રાઈવરે કદાચ ડેવિસને જાેયા નથી. બેકહો જાેરથી ડેવિસના માથા પર અથડાય છે અને તેઓ જમીન પર પછડાય છે. વિડીયોમાં જાેવા મળે છે કે જ્યારે બેકહો તેમને અથડાય છે ત્યારે તેમના હાથમાંથી કેટલીક વસ્તુઓ હવામાં ઊછડીને નીચે પડે છે. ડેવિસ જમીન પર પડે છે ત્યારે પણ ડ્રાઈવરને ખ્યાલ હોતો નથી અને બેકહો રિવર્સમાં જાય છે અને તેમને કેટલાક ફૂટ સુધી ઢસડે છે. ત્યારબાદ બેકહો ત્યાંથી જતું રહે છે અને ડેવિસ જમીન પર પડ્યા હોય છે.
ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે શુક્રવારે બપોરે ૨.૨૩ વાગ્યે ૯૧૧ પર કોલ આવ્યો હતો કે એક મહિલા ન્યૂ લોટ્સ એવન્યુ અને વાન સિન્ડેરેન એવન્યુ વચ્ચે બેભાન હાલતમાં પડ્યા છે. અધિકારી ત્યાં પહોંચ્યા હતા અને જાેયું તો ૬૧ વર્ષીય મહિલા ત્યાં પડ્યા હતા. મહિલાને તાત્કાલિક બ્રૂકડેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડેવિસના ૫૯ વર્ષીય પતિ ક્લેવલેન્ડ થોમસે ન્યૂયોર્ક ડેઈલી ન્યૂઝને જણાવ્યું હતું કે, ડેવિસ ઘણી જ ઉમદા સ્વભાવની હતી
હંમેશા અન્ય લોકોની મદદ માટે તત્પર રહેતી હતી. જાે તેના હાથમાં હોય તો તે આખી દુનિયાને બચાવી લેત. તે એક પ્રતિબદ્ધ વ્યક્તિ હતી, તે લોકો માટે પ્રતિબ્ધ વ્યક્તિ હતી. તેમણે કહ્યું હતું કે, મને શુક્રવારે ૩ વાગ્યે બ્રૂકડેલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ આવવાનું કહ્યું હતું. આવો ફોન આવ્યા બાદ હું ચિંતામાં પડી ગયો હતો. થોમસે જણાવ્યું હતું કે હોસ્પિટલ તેમના ઘરથી થોડે જ દૂર છે તેથી તેઓ ચાલતા-ચાલતા હોસ્પિટલ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, મેં મારી જાતને સંભાળી રાખી હતી. હું અને ડેવિસ હંમેશા ચાલવાનું પસંદ કરતા હતા.