કેટલાક વિસ્તારોમાં સાવચેતી રાખવા કેન્દ્ર સરકારનો નિર્દેશ
નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ ભારતમાં રસીકરણ અભિયાન પુરજાેશમાં ચાલી રહ્યું છે, પરંતુ તેની સાથે જ કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક વિસ્તારોને ચેતવણી આપતાં સાવધાની રાખવા આગ્રહ કર્યો છે. સ્વાસ્થ્ય વિભાગે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, હરિયાણાના ગુડગાંવ અને ફરીદાબાદમાં કોવિડ-૧૯ના કેસ પહેલાં વધુ હતાં,
પરંતુ હવે કરનાલ અને પંચકુલામાં વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. આવી રીતે જ મહારાષ્ટ્રના મુંબઇમાં ધારાવી વિસ્તારમાં વધુ કેસ હતાં, પરંતુ હવે ત્યાં સ્થિતિ નિયંત્રણમાં છે. હવે અમરાવતીમાં વધુ કેસ સામે આવી રહ્યાં છે. પંજાબના કપૂરથલામાં વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. ચંડીગઢમાં પણ પહેલાંથી વધુ કેસ આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, જ્યાં પહેલાં સંક્રમણ વધુ હતો, ત્યાં હવે ઓછા કેસ છે. પરંતુ જ્યાં વધુ કેસો આવી રહ્યાં છે, ત્યાં લોકોને વધુ સતર્ક રહેવાની જરૂર છે.
સ્વાસ્થ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા સંક્રમણની પરિસ્થિતિને જાેતાં કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે. મંત્રાલય અનુસાર, જે જિલ્લામાં કેસ વધી રહ્યાં છે ત્યાં રસીકરણ અભિયાન ઝડપી બનાવવાની સાથે ટેસ્ટિંગને પણ પ્રાથમિકતા આપવી જાેઇએ. સમગ્ર શહેરમાં નહીં, પરંતુ જે પોકેટ્સમાં વધુ કેસ છે ત્યાં ટેસ્ટિંગ વધારવું પડશે. કોન્ટેક્ટ્સ શોધવાથી વધુ સંક્રમિત લોકોને શોધવા પર ધ્યાન આપવાની જરૂર છે.