Western Times News

Gujarati News

૭ વર્ષમાં કેરોસીન અને રાંધણ ગેસના ભાવ બમણા થઈ ગયા

નવી દિલ્હી: લોકસભામાં સોમવારના રોજ ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમની કિંમતો અંગે સવાલ પૂછાયો હતો. જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું હતું કે રાંધણગેસના ભાવ છેલ્લાં સાત વર્ષમાં બમણાં થઈ ચૂક્યા છે. એ જ રીતે ૨૦૧૪માં એક લિટર કેરોસીનની કિંમત ૧૪.૯૬ રૂપિયા હતી. ૨૦૨૧માં આ કિંમત ૩૫.૩૫ રૂપિયા થઈ ગઈ છે.

પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ધીકતી કમાણી કરી છે. એ વાતનો સ્વીકાર પેટ્રોલિયમ મંત્રીએ પણ કર્યો હતો. મંત્રીએ સ્વીકાર્યું હતું એ પ્રમાણે ૨૦૧૩માં પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ૫૨,૫૩૭ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન મેળવ્યું હતું.

૨૦૧૯-૨૦ના વર્ષમાં ટેક્સ કલેક્શન વધીને ૨.૧૩ લાખ કરોડ થયું હતું. છેલ્લાં ૧૧ મહિનામાંજ સરકારનું પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સ કલેક્શન ૨.૯૪ લાખ કરોડ થઈ ચૂક્યું છે. એમાં એક મહિનો ઉમેરાશે એટલે આંકડો ત્રણ લાખ કરોડને પાર થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

અત્યારે સરકાર પેટ્રોલમાંથી એક લિટરે ૩૨.૯૦ રૂપિયાનો ટેક્સ વસૂલે છે અને ડીઝલમાંથી ૩૧.૮૦ રૂપિયાનો ટેક્સ મેળવે છે. ૨૦૧૮માં સરકાર એક લિટર પેટ્રોલે ૧૭.૯૮ અને ડીઝલમાં ૧૩.૮૩ રૂપિયા વસૂલતી હતી. એ ટેક્સ માત્ર બે-અઢી વર્ષમાં જ બમણો થઈ ચૂક્યો છે.

ધર્મેન્દ્ર પ્રધાને લેખિતમાં સ્વીકાર્યું હતું એ મુજબ પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી સરકારે ૨૦૧૬-૧૭માં ૨.૩૭ લાખ કરોડની કમાણી કરી હતી. એપ્રિલ-૨૦૨૦થી જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં જ સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી ૩.૦૧ લાખ કરોડનો ટેક્સ વસૂલ્યો હતો. છેલ્લાં ૧૫ માસમાં એક લિટર પેટ્રોલમાં ૧૧.૭૭ રૂપિયાનો ટેક્સ વધારો થયો હતો.

ડીઝલમાં લિટરે ૧૩.૪૭ રૂપિયા વધ્યા હતાં. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું એ પ્રમાણે સરકારે ઓક્ટોબર-૨૦૧૭માં બે રૂપિયાની એક્સાઈઝ ડયૂટી ઘટાડી હતી, પરંતુ જુલાઈ-૨૦૧૯માં બે રૂપિયાનો વધારો પણ કરાયો હતો. માર્ચ-૨૦૨૦માં લિટરમાં ૩ રૂપિયાની એક્સાઈઝ ડયૂટીનો વધારો સરકારે ઝીંક્યો હતો.
મેમાં સરકારે ફરી વખત પેટ્રોલમાં એક લિટરે ૧૦ રૂપિયાની એક્સાઈઝ ડયૂટી વધારી હતી અને ડીઝલમાં ૧૩ રૂપિયાની એક્સાઈઝ ડયૂટી એક લિટરે વધારાઈ હતી. લોકડાઉન ચાલતું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઐતિહાસિક તળીયે ગયા હતા. આથી લોકોને ક્રૂડમાં ઘટાડાનો લાભ ન આપવો પડે તે માટે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં જંગી વધારો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.