દાણાપીઠ ફાયર સ્ટેશનના નવા બિલ્ડીંગની ઉંચાઈ ઘટાડવા આર્કિયોલોજી વિભાગની સુચના
મુળ પ્લાન કરતા એક માળનું બાંધકામ ઓછુ થશે -ફોર વ્હીલર પાર્કિંગની સંખ્યામાં પણ ઘટાડો થશે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાણીપીઠ ફાયર સ્ટેશનના જર્જરીત અને ભયજનક બિલ્ડીંગોને તોડી નવેસરથી સ્ટાફ ક્વાર્ટસ, મલ્ટી લેવલ પાર્કિંગ, એડમીન બિલ્ડીંગ તેમજ સ્કાયવૉક બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા જુના ત્રણ બિલ્ડીંગ અને ફાયર ઓફિસને તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ આર્કિયોલોજીની મંજુરીના કારણે બાધકામ શરૂ થઈ શકયુ નથી. આર્કિયોલોજી વિભાગ દ્વારા નવા તૈયાર થનાર બિલ્ડીંગની ઉંચાઈ ઓછી કરવા માટે સુચના આપી હોવાની વિગતો બહાર આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણીપીઠ કાર્યાલય ખાતે પાર્કિંગની વિકટ બની રહેલી સમસ્યા હલ કરવા માટેે દાણીપીઠ ફાયર સ્ટેશનની જગ્યામાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. દાણીપીઠ ફાયર સ્ટેશન ખાતે ત્રણ બ્લોકમાં હયાત સ્ટાફ ક્વાર્ટસને તોડી તેના સ્થાને નવા સ્ટાફ ક્વાર્ટસ પણ તૈયાર કરવા આયોજન કરવામાં આવ્યુ હતુ.
ફાયર સ્ટેશનના એ બ્લોકમાં ર૦ સ્ટાફ ક્વાર્ટસ, બી બ્લોકમાં ૩ર તથા સી બ્લોકમાં ૩૩ સ્ટાફ ક્વાર્ટસ હતા. તદુપરાંત ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ઓફિસ પણ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટસના સ્થાને એડમિન બિલ્ડીંગ, સ્ટાફ ક્વાર્ટસ અને મલ્ટીલેવલ પાર્કિંગ માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યા હતા.
દાણીપીઠ ફાયર સ્ટેશનના અંદાજે પ૧૦૦ ચો.મી.ના પ્લોટમાં ર૮ હજાર ચો.મી. બાંધકામ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર ૦૬ માળનું બાંધકામ તથા ર૦ હજાર ચોરસમીટરનું મલ્ટી લેવલ પાર્કિંગ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.
પરંતુ આર્કિયોલોજી વિભાગ દ્વારા ઉંચાઈ ઘટાડવા માટે સુચના આપવામાં આવ્યા બાદ પ્લાનમાં ફરફાર કરવામાં આવ્યા છેે. સુત્રોએ જણાવ્યા અનુસાર જુના પ્લાન મુજબ રર મીટરની ઉંચાઈ થતી હતી જે ઘટીને હવે ૧૯ મીટર થશે. તેથી ગ્રાઉન્ડ ફલોર પર ૦૭ માળને બદલે ૦૬ માળનું બાંધકામ કરવામાં આવશે. જ્યારે ટેરેસ પર કેબિન બનાવવાની હતી જે દૂર કરવામાં આવશે.
જુના પ્લાન મુજબ મલ્ટીલેવલ પાર્કિંગમાં ૪૦૯ ફોર વ્હીલર તથા રરર ટુ વ્હીલર પાર્ક કરી શકાય એ મુજબ આયોજન હતુ. પરંતુ નવા પ્લાનમાં ફોર વ્હીલર વાહનોની સંખ્યા ૪૦૯થી ઘટી ૩૦૩ થશે. જયારે રેસીડન્ટ સ્ટાફ માટે ૧ બીએચકેના ર૧ સ્ટાફ ક્વાર્ટરનો પ્લાન હતો. નવા પ્લાનમાં સ્ટાફ ક્વાર્ટસની સંખ્યા વધીને રપ થશે. જેયારે એડમીન બિલ્ડીંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે દાણીપીઠ ફાયર સ્ટેશનની આસપાસ અનેક ઐતિહાસિક મિલ્કતો આવેલી છે જેના ૧૦૦થી ૩૦૦ મીટરના દાયરામાં નવી બિલ્ડીંગ આવે છે જેના કારણે ઉંચાઈ ઓછી કરવામાં આવી રહી છે.
દાણીપીઠ ફાયર સ્ટેશન ખાતે તૈયાર થનાર મલ્ટી લેવલ પાર્કિંગથી મ્યુનિસિપલ ભવન સુધી સ્કાયવૉક પણ બનાવવામાં આવશે. ફાયર સ્ટેશન, પાર્કિંગ, સ્કાય વૉક તેમજ સ્ટાફ ક્વાર્ટર્સ તૈયાર કરવા માટે રૂા.૩૧ કરોડનો ખર્ચ થશે. આર્કિયોલોજી વિભાગમાં નવા પ્લાન સબમીટ કરવામાં આવ્યા છે. ટુક સમયમાં જ તેની મજુરી મળી શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.