થલતેજ દંપત્તિ હત્યા કેસ: 50 લાખની લૂંટની અપેક્ષા હતી, 12 હજાર હાથમાં આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/sola-nri-1-scaled.jpg)
પટેલ દંપતીની હત્યા કરવા પાવાગઢથી છરી લવાઈ હતી- ડ્રોઅરમાં પડેલી કારની ચાવી લઈ કાર ચાલુ કરી હતી. જાે કે કાર સીધી બીજી ગિયરમાં પડતા બહારના દરવાજામાં અથડાઈ હતી એટલે બાઈક પર ભાગ્યા
અમદાવાદ: અમદાવાદના પટેલ દંપતીની હત્યા પરથી પડદો ઉંચકાયો છે. લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરનારા પાંચેય આરોપી પકડાઈ ગયા છે. આ પાંચ આરોપીઓમાં ભરત કમલેશ ગૌડ, નીતિન રાજેશ ગૌડ, રાહુલ ઉર્ફે ગુલું કમલેશ ગૌડ, આશિષ મુન્નેશ વિશ્વકર્મા અને બ્રીજમોહન ઉર્ફે બિરજુ ખેમરાજનો સમાવેશ થાય છે.
ત્યારે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સમગ્ર લૂંટ અને હત્યાનો કાંડ દહેજ માટે ખેલાયો હતો. બહેનના લગ્ન માટે 2 લાખ રૂ. દહેજ જાેઈતુ હતું, અને તે માટે રૂપિયાની જરૂર હતી. જેથી ભરત ગૌડે આખો પ્લાન બનાવ્યો હતો.
જેમાં તેણે પોતાના સંબંધીઓને પણ સામેલ કર્યા હતા. ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત ૫ આરોપી ઝડપી લેવામા આવ્યા છે. ભરત ગૌડ એ અશોક પટેલના ઘરે સુથારી કામ કરતો હતો. ભરતના બેનના લગ્ન હોવાથી તેને પૈસાની જરૂર હતી, જે પુરી કરવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જેને કારણે તે બે દિવસથી ઘરની રેકી કરતો હતો. આરોપીઓ માનતા હતા કે હાલ નાઈટ કર્ફ્યૂ છે, તેમજ જ્યોત્સનાબેન રોજ સવારે મોર્નિગ વોક પર જતાં હતાં.
આ અંગે પણ આરોપીઓને જાણ હતી. જેથી આ ઘરમાંથી જ બહેનની દહેજના રૂપિયા મળી જશે તે ઈરાદે તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. 5મી માર્ચ, 2021ના રોજ સવારે 8 વાગે આરોપીઓ થલતેજના દંપત્તિના ઘરે પહોંચ્યા હતા, અને ડોરબેલ વગાડ્યો હતો. દરવાજો જ્યોત્સનાબેને ખોલ્યો હતો. ફર્નિચર જોવાના બહાને ઘરમાં ઘુસ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો.
ભરત ગૌડે 14 ફેબ્રુઆરી, 2021 થી 24 ફેબ્રુઆરી સુધી અશોકભાઈ અને જ્યોત્સનાબેનના બંગલામાં ફર્નિચરનું કામ કર્યું હતું. ભરતે તેના સાળા નીતિન ગૌડને ત્યાં જ મળવા બોલાવ્યો હતો, અને બંગલામાં તે બે કલાક રોકાયો પણ હતો. તેણે બંગલાની જગ્યા બરાબર જોઈ લીધી હતી, અને તેમાં બે વૃદ્ધ દંપતી જ રહેતા હોવાનું જાણ્યા બાદ બંગલામાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપીઓને આશા હતી કે ઘરમાંથી ઓછામાં ઓછા 50 લાખનો માલ હાથમાં આવશે. ઘરેણાં અને રોકડ થઈને 50 લાખની આશાએ આવેલા આરોપીઓના હાથમાં માત્ર 12000 રૂપિયા જ આવ્યા. પરંતુ લૂંટનો પ્લાન બનાવતો ભાઈ હત્યારો બની ગયો હતો, અને આખરે હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
ઠંડા કલેજે અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેન પટેલની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા. જ્યોત્સનાબેન અને અશોક પટેલની હત્યા બાદ હત્યારાઓ દંપતીના ઘરની બહાર જ પાર્ક કરાયેલી કાર ચોરી કરીને નાસી છૂટવાની પેરવીમાં હતા. તેમણે ડ્રોઅરમાં પડેલી કારની ચાવી લઈ કાર ચાલુ કરી હતી.
જાે કે કાર સીધી બીજી ગિયરમાં પડતા બહારના દરવાજામાં અથડાઈ હતી. જેથી તેમણે કાર ત્યાં જ છોડી દીધી હતી. ત્યાર પછી તેઓ બાઈક લઈને મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. આ બાઈક વડોદરાથી ચોરી કર્યું હતું. આ હત્યા કેસ CCTV ફૂટેજથી ઉકેલી લીધો હતો. બંગલાની બહાર વાતચીત કરતા તમામ આરોપીઓ પોલીસ તપાસમાં સૌથી પહેલા સામે આવ્યા હતા.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ ૪ આરોપી અલગ અલગ બે બાઈક પર નીકળ્યા હતા. જેમાં તેઓ વૈષ્ણોદેવી એકઠા થયા હતા. ત્યાર બાદ ત્યાથી હિંમતનગર, ચિત્તોડગઢ રોકાયા હતા. જાેકે પોલીસની ગંધ આવતા પોતાના વતન જતા રહ્યા હતા. પરંતુ વતનમાં પણ તેમને પકડાઈ જવાની બીક હતી.