શિવ મંદિરમાં પૂજા કરીને મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક માટે ઉમેદવારી નોંધાવી
કોલકાતા: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે હલ્દિયામાં પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ નંદીગ્રામથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. હલ્દિયામાં નામાંકન દાખલ કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે નંદીગ્રામ મારા માટે નવું નથી. મેં હંમેશા નંદીગ્રામ આંદોલન માટે સાથ આપ્યો.
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે મારી ઈચ્છા હતી કે નંદીગ્રામ કે સિંગુરથી ચૂંટણી લડું. નંદીગ્રામ એ જગ્યા છે જ્યાંથી આંદોલન શરૂ થયું. નંદીગ્રામનો એક સંગ્રામ પણ છે. હું સ્ટ્રીટ ફાઈટર હતી, સ્ટ્રીટ ફાઈટર છું અને સ્ટ્રીટ ફાઈટર રહીશ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તિ બધાને હું પ્રેમ કરું છું. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ આવતી કાલે એટલે કે ૧૧ માર્ચે પાર્ટીનું ઘોષણાપત્ર બહાર પાડશે. હલ્દિયામાં ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે રોડ શો કર્યો.
મમતા બેનર્જીએ હલ્દિયામાં નંદીગ્રામ માટે ઉમેદવારી નોંધાવી તે પહેલા શિવ મંદિરમાં પૂજા પણ કરી હતી અહીં તેમણે ભગવાન શિવને જળાભિષેક કર્યો હતો. અત્રે જણાવવાનું કે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પોતાની પરંપરાગત સીટ ભવાનીપુર છોડીને નંદીગ્રામથી ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે. મમતા બેનરજીએ નંદીગ્રામ સીટ પરથી તેમની ઉમેદવારી નોંધાવતા પહેલાં પોતાની તાકાત દર્શાવવા તેમણે હલ્દિયામાં એક કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. જેમા ટીએમસીના હજારો કાર્યકરો હાજર રહ્યા હતા.
આ પહેલાં મંગળવારે મમતાએ નંદીગ્રામમાં તેમના પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે, નંદીગ્રામ અથવા સિંગુરથી ચૂંટણી લડવાનું તેમણે બહુ પહેલાં જ નક્કી કરી લીધુ હતું. ભાજપના હિન્દુ કાર્ડ પર હુમલો કરતાં તેમણે કહ્યું કે, મારી સાથે હિન્દુ કાર્ડ ના રમો, હું પણ હિન્દુ છું અને ઘરેથી ચંડીપાઢ કરીને નીકળું છું. જ્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મમતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, બંગાળમાં રોહિંગ્યાની સાથે સાથે મમતા દીદી પણ નર્વસ છે. હવે તેમને ખબર નથી પડતી કે મંદિર જવું કે મસ્જિદ.
મમતાએ કહ્યું હતું કે, જાે નંદીગ્રામની જનતા ના પાડશે તો હું અહીંથી ચૂંટણી નહી લડું. અહીં ભાગલા પાડોનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ તમારે આ લોકોની વાતો પર ધ્યાન ના આપવું જાેઈએ. મમતાએ અહીં સ્ટેજ પર જ ચંડીપાઠ કર્યા હતા.