મહિલા એજન્ટે પોસ્ટમાં ખાતું ખોલવી ૨૦.૫૧ લાખ રૂપિયાની છેંતરપીડી કરી
અમદાવાદ: જાે તમે પોસ્ટમાં કોઈ એજન્ટને તમારી બચતના રૂપિયા જમા કરાવવા માટે આપો છો તો તે તમારા રૂપિયા પોસ્ટમાં જમા કરાવે છે કે નહીં તેની એક વાર ચકાસણી કરી લેજાે, નહિતર તમારા બચતના રૂપિયા બારોબાર ઘરભેગા થઇ શકે છે. કારણ કે વાડજ વિસ્તારમાં રહેતાં વૃદ્ધાને પોસ્ટમાં બચત કરેલ ર૦.પ૧ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. વૃદ્ધાએ મહિલા એજન્ટ પાસે રૂપિયા પરત માગ્યા તો તમારાથી થાય તે કરી લો, રૂપિયા નહીં મળે એમ કહીને ધમકી આપી હતી.
ઉસ્માનપુરાની વીરકુંજ સોસાયટીમાં રહેતાં ૬પ વર્ષીય મીનાબહેન શાહે શીલાબહેન પ્રવીણચંદ્ર શાહ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. મીનાબહેન તેમની જ સોસાયટીમાં જ રહેતાં શીલાબહેન શાહ અને તેમના પતિ પ્રવીણચંદ્ર સાથે મળી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે, જેમાં શીલાબહેન પોસ્ટની એજન્સી ધરાવે છે.વર્ષ ર૦૦૪માં શીલાબહેન અને તેમના પતિએ મીનાબહેન પાસે આવીને કહ્યું કે તમે પોસ્ટ ઓફિસમાં સે?વિંગ ખાતું ખોલાવો. તેમણે આમ કહેતાં તેમજ મીનાબહેન આ બંનેને સારી રીતે ઓળખતાં હોવાથી મીનાબહેને પોસ્ટમાં ખાતું ખોલાવ્યું હતું.
શીલાબહેન અને તેમના પતિ પ્રવીણચંદ્ર દર મહિને મીનાબહેનના ઘરે આવીને પૈસા લઇ જતાં હતાં. મીનાબહેને વર્ષ ર૦૦૪થી ર૦૧૬ સુધીમાં શીલાબહેનને કુલ ર૦.પ૦ લાખ રૂપિયા પોસ્ટમાં બચત કરવા માટે આપ્યા હતા. વર્ષ ર૦૧૮માં શીલાબહેનના પતિનું અવસાન થયું હતું ત્યારે એમની વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. આ વાતની જાણ મીનાબહેનને થઇ હતી.
જેથી મીનાબહેને મીરજાપુરની પોસ્ટ ઓફિસમાં જઈ તપાસ કરતાં તેમને જાણ થઇ કે, શીલાબહેને જમા કરાવવા આપેલા રૂપિયાની કોઈ એન્ટ્રી પોસ્ટમાં ન હતી તેમજ શીલાબહેને મીનાબહેનનું પોસ્ટમાં ખાતું પણ ખોલાવ્યું ન હતું. ત્યારબાદ મીનાબહેને બચતના પૈસા બાબતે શીલાબહેનને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે તમારા રૂપિયા વાપરી નાખ્યા છે, પોસ્ટમાં જમા કરાવ્યા નથી, પરંતુ તમે ફરિયાદ ન કરતાં હું તમને રૂપિયાની સગવડ થશે ત્યારે પરત આપી દઈશ. આમ, મીનાબહેને ઘણી રાહ જાેવા છતાં તેમના બચતના રૂપિયા શીલાબહેને આપ્યા ન હતા.
મીનાબહેન તેમના રૂપિયાની ઉઘરાણી કરવા શીલાબહેનના ઘરે ગયાં હતાં ત્યારે શીલાબહેન અને તેમના દીકરાએ મીનાબહેનને કહ્યું કે, તમે અમારા પર કોઈ કેસ ન કરતાં તમારે અમારી પાસેથી વીસ લાખ રૂપિયા લેવાના છે, જેના બદલામાં વીરકુંજ સોસાયટીમાં આવેલ ચાલીસ લાખ રૂપિયાનું મકાન લખી આપીશું અને તમે અમને ઉપરના વીસ લાખ રૂપિયા આપી દેજાે. તેમણે આમ કહેતાં મીનાબહેને કહ્યું કે, મારી પાસે વીસ લાખ રૂપિયા નથી.
ત્યારબાદ મકાન લખી આપવા બાબતે સહમત થયાં હતાં, જાેકે મકાનનું બાનાખત થઇ ગયા બાદ શીલાબહેન મીનાબહેનને તેમના દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ આપતાં ન હતાં. વારંવાર મીનાબહેન ડોક્યુમેન્ટ માગતાં હતાં. શીલાબહેને કહ્યું કે, કોઈ ડોક્યુમેન્ટ કે રૂપિયા નહીં મળે, તમારાથી થાય તે કરી લો. તેમણે આમ કહી ધમકી આપી હતી, જેથી મીનાબહેને શીલાબહેન વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.