રસી પહોંચતાં કેનેડામાં મોદીનો આભાર માનતું બોર્ડ લગાવાયું
નવી દિલ્હી, ભલે ખેડૂત આંદોલન દરમિયાન કેનેડામાંથી ભારતનો વિરોધ થયો પરંતુ બન્ને દેશો વચ્ચેની મિત્રતામાં કોઈ મોટો ફરક ના પડ્યો હોય તે સાબિત થઈ રહ્યું છે. એક તરફ ભારતે કોરોનાની રસી દુનિયાના બાકી દેશો સહિત કેનેડામાં પણ પહોંચાડી છે. હવે કેનેડામાં નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
ગ્રેટર ટોરન્ટોમાં બિલબોર્ડ્સ લગાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેનેડાને વેક્સીન આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા કાર રેલી કરીને પણ ભારતીય મૂળના કેનેડાના લોકોએ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઈલેક્ટ્રિક બોર્ડ લગાવવામાં આવ્યું છે તેના પર લખવામાં આવ્યું છે કે, કેનેડાને કોવિડ રસી પૂરી પાડવા બદલ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. ભારત અને કેનેડાની મિત્રતા અમર રહે. આ બોર્ડ સરકાર દ્વારા નહીં પરંતુ કેનેડામાં રહેતા ભારતીયોના હિન્દુ ફોરમ દ્વારા લગાવવામાં આવ્યું છે.