સાંઈના મંદિરે દર્શન કરવા જતા વેપારીની ગોળી મારીને હત્યા
રોહતક: હરિયાણાના રોહતક જિલ્લામાં ખરાવડ ગામમાં સ્થિત સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા જઈ રહેલા જુલાના અનાજ માર્કેટના વેપારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના ખેડી સાધ બાયપાસ રોડ પર બની, જ્યારે વેપારી અજય પોતાની સ્કૂટી પર સવાર થઈને સાંઈ બાબાના મંદિરે જઈ રહ્યા હતા. અજય હાલમાં રોહતકના સંત નગર કોલોનીમાં રહેતા હતા. ઘટનાની સૂચના મળતા આઇએમટી પોલીસ સ્ટાફ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. હાલ મૃતકની લાશ રોહતક પીજીઆઇ મોકલવામાં આવી છે.
હત્યારાઓ વિશે કોઈ પગેરું મેળવી શકાયું નથી. પોલીસ મામલાની તપાસ કરવામાં લાગી ગઈ છે. મૃતકના પરિજનોએ કોઈની સાથે દુશ્મની હોવાનો ઈન્કાર કરી દીધો છે. મૂળે, જિંદ જિલ્લાના જુલાન ગામના રહેવાસી અજય જુલાનાની અનાજ માર્કેટમાં દલાલીનું કામ કરતા હતા. હાલ બાળકોના અભ્યાસને કારણે રોહતક શહેરની સંત નગર કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અજય દર ગુરૂવારે રોહતકથી ખરાવડ સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા માટે જતા હતા. ગુરૂવાર સવારે પણ અજય લગભગ ૯ વાગ્યે સાંઈ બાબા મંદિર માટે રવાના થયા અને જેવા તેઓ બાયપાસ રોડ પર પહોંચ્યા તો અજાણ્યા હુમલાખોરોએ તેમને ગોળી મારી દીધી. પોલીસે તેમને તાત્કાલિક પીજીઆઇ શિફ્ટ કર્યા,
જ્યાં ડૉક્ટરોએ અજયને મૃત જાહેર કરી દીધા. મૃતક અજયના ભાઈ વિજયનું કહેવું છે કે તેની કોઈની સાથે કોઈ પણ દુશ્મનાવટ નહોતી. એએસપી નરેન્દ્ર કાદિયનનું કહેવું છે કે તેમને એવી સૂચના મળી હતી કે બાયપાસ પાસે કોઈ અકસ્માત થયો છે. અહીં આવીને જાેયું તો અજય નામના શખ્સને ગોળી મારવામાં આવી હતી. અમે તાત્કાલિક અજયને પીસીઆરમાં રોહતક પીજીઆઇ પહોંચાડ્યો. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. હજુ સુધી એ જાણી નથી શકાયું કે આ હત્યા પાછળ કારણ શું છે. હાલ આ મામલામાં પોલીસ હત્યારાઓનું પગેરું શોધી રહી છે.