પાંચથી વધુ કેસ નોંધાશે તો શાળા-કોલેજાે બંધ કરાશે
સુરત: સ્કૂલના વિદ્યાર્થીઓમાં કોવિડ-૧૯ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ ચેતવણી આપી હતી કે, પાંચથી વધુ પોઝિટિવ દર્દીઓ મળી આવવા પર સ્કૂલ, કોલેજાે અને ટ્યુશન ક્લાસ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાશે. જાે એક પોઝિટિવ કેસ મળશે તો પણ જે-તે ક્લાસરૂમ બંધ કરવામાં આવશે. શહેરમાં મળી આવેલા કોવિડ-૧૯ના નવા ૧૭૧ કેસોમાં ૧૨થી વધુ વિદ્યાર્થીઓ હતા, જેમાના કેટલાક મહારાષ્ટ્રની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા હતા. ૨૫ સ્કૂલો અને કોલેજાેના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્ટાફના અન્ય સભ્યો સહિત કુલ ૧,૬૬૩ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
તેમાંથી ૧૨ વિદ્યાર્થીઓ પોઝિટિવ નીકળ્યા હતા. તેમાંથી બે વિદ્યાર્થીઓ સેન્ટ્રલ ઝોનના, ૪ વિદ્યાર્થીઓ અઠવાના અને ૬ વિદ્યાર્થીઓ લિંબાયત ઝોનના હતા, તેમ એસએમસીના અધિકારીએ કહ્યું. પોશ અઠવા ઝોનમાં ગુરુવારે ૬૧ કેસની સાથે સૌથી વધારે કોવિડ-૧૯ના કેસ નોંધાયા હતા. જે બાદ રાંદેરમાં ૩૩ અને કતારગામ ઝોનમાં ૧૭ છે. ગુરુવારે કોરોના પોઝિટિવ આવનારા દર્દીઓમાંથી કેટલાક મહારાષ્ટ્ર, તારાપુર, ધુલિયા અને જલગાંવ સહિતના સ્થળોની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. બહારથી સુરત શહેરમાં આવેલા તમામ લોકોને અમે કોવિડ-૧૯નો રિપોર્ટ કરાવવાની અને મહાનગરપાલિકાને સંક્રમણના ફેલાવાને અંકુશમાં લાવવામાં મદદ કરવાની અપીલ કરીએ છીએ’, તેમ એસએમસીએ નિવેદનમાં કહ્યું હતું.
એસએમસીની એન્ફોર્સમેન્ટ ટીમોએ ૨૦૫ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ ૨.૦૫ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. જાે લોકો કોવિડ-૧૯ના નિયમોનું ઉલ્લંઘન કરશે તો ડ્રાઈવને આગળ ધપાવવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોમાં હોસ્પિટલમાં ધસારો વધ્યો છે. ગુરુવારે વિવિધ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ના ૧૪૭ દર્દીઓ દાખલ થયા હતા.
શૈક્ષણિક સંસ્થાઓ સિવાય, લોકોથી ખીચોખીચ ભરેલું કાપડ બજાર પણ વાયરસ ફેલાવા પાછળનું કારણ બની રહ્યું છે. ગુરુવારે, ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં આવેલા કાપડ બજારમાં ૧૮ કેસ નોંધાયા હતા. એસએમસીએ આ ઝોનના ગંગા ફેશન, સાઈ ખટિક અને આદર્શ માર્કેટ એમ ત્રણ માર્કેટ બંધ કર્યા હતા.