દેશનો દરેક નાગરિક જનભાગીદારીથી આઝાદીના અમૃત મહોત્સવનો હિસ્સો બને -એક ડગલુ દેશને ૧૩૦ કરોડ ડગ આગળ લઇ જશે
વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીના ૭૫ વર્ષ – આઝાદી કા અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ એવા સાબરમતી આશ્રમથી કરાવતા આ અમૃત મહોત્સવ ૧૩૦ કરોડ ભારતવાસીઓ માટે સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરણા, નવા વિચારો, નવા સંકલ્પો અને નયા ભારતના નિર્માણનું અમૃત બને તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
વડાપ્રધાનશ્રીએ આગામી સ્વાતંત્ર્ય દિવસ ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધી સમગ્ર દેશમાં ૭૫ સપ્તાહ સુધી આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોનો શુભારંભ અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવીને કરાવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંગ્રેજી શાસનના પાયામાં લુણો લગાડનાર સ્વાતંત્ર્યસંગ્રામની અભૂતપૂર્વ ઘટના એવી દાંડી યાત્રાના ૯ દાયકા અને દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશની જનતામાં રાષ્ટ્રપ્રેમ અને જન-ચેતના ઉભી થાય તેવા ઉમદા આશયથી અમદાવાદના જગ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમથી રાષ્ટ્રવ્યાપી ઉજવણીની શરૂઆત કરાવી હતી.
તેમણે કહ્યું કે, આઝાદ ભારતના ઐતિહાસિક કાળખંડના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. દાંડી યાત્રાની વર્ષગાંઠ અને ભારતની આઝાદીના અમૃત મહોત્વના પ્રારંભ અવસરે આપણે સૌ ઇતિહાસ બનતો જોઇ રહ્યા છીએ.
વડાપ્રધાનશ્રીએ સેલ્યુલર જૈલ, મુંબઇનું ઓગસ્ટ ક્રાંતિ મૈદાન, ઝલિયાવાલા બાગ જેવા ઐતિહાસિક સ્થળો અને રાણી લક્ષ્મીબાઇ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર જેવા સ્વાતંત્ર્યવીરોનો ઉલ્લેખ કરી કહ્યું કે, આજના દિવસે ભારતની આઝાદીની લડતના કેટલાય પૂણ્ય દિવસ, પૂણ્ય આત્માઓ અને પૂણ્ય તીર્થો આપણાં સ્મૃતિપટ પર એકઠા થયા છે.
આજના દિને ભારતની આઝાદીનો ઐતિહાસિક સંધર્ષ, ઉર્જા, બલિદાન દેશભરમાં પુન:જાગૃત થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
વડાપ્રધાનશ્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહૂતિ આપનારા અને સ્વતંત્રતાની લડતને નેતૃત્વ આપનાર વીરોના ચરણોમાં નમન અને વંદનનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેઓએ આઝાદ ભારતની રક્ષા કાજે સરહદો પર જીવનને ન્યોછાવર કરનારા શહીદ વીરો અને આઝાદ ભારતની પ્રગતિની એક-એક ઇંટ મૂકનારા અમર આગેવાનો પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવના પાંચ આધાર સ્તંભ ફ્રીડમ સ્ટ્રગલ, આઇડીયાઝ@૭૫, અચીવમેન્ટ@૭૫, એક્શન@૭૫ અને રીઝોલ્વ્સ@૭૫નો ઉલ્લેખ કરી કહ્યું કે, આ આધારસ્તંભો દેશને સમગ્ર ઉજવણીકાળ દરમિયાન પ્રેરણા અને પથદર્શન પુરા પાડશે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આપણો ભવ્ય ભૂતકાળ, અમૃલ્ય વિરાસત અને ત્યાગ બલિદાનની પરંપરા આગળ ધપાવવાથી જ દેશનું ગૌરવ ટકી શકે છે. ભારત પાસે ગર્વ કરવા માટે અખૂટ ભંડાર અને ચેતનામય સમૃધ્ધ વારસો રહેલો છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીથી રાષ્ટ્રના વારસારૂપી આ અમૃત ભારતની વર્તમાન પેઢીને પ્રાપ્ત થશે જેનાથી યુવાનોને દેશ માટે જીવવા-મરવાની પ્રેરણા મળશે.
વડાપ્રધાનશ્રીએ “મૃત્યોમોક્ષીય મા અમૃતામ…”શ્લોકનુંગાનકરીકહ્યું કે ભારતની આઝાદીના અમૃત મહોત્સવનો આ મૂળ મંત્ર છે. આ અમૃત સ્વાધીનતાનું અમૃત, નવા વિચાર નવા સંકલ્પનું અમૃત અને આત્મનિર્ભરતાનું અમૃત છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આઝાદીનો આ અમૃત મહોત્સવ રાષ્ટ્રના નવ જાગરણનો મહોત્સવ છે. ઘડવૈયાઓએ સેવેલા સુરાજ્યના સ્વપ્નને સાકાર કરવાનો મહોત્સવ છે. વૈશ્વિક શાંતિ અને વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો મહોત્સવ છે.
વડાપ્રધાનશ્રીએ દાંડી યાત્રાને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને વધુ વ્યાપક બનાવનારી તથા ભારતના મૂળભૂત સ્વભાવ, સંસ્કાર અને દ્રષ્ટિકોણને વિશ્વ સમક્ષ ઉજાગર કરનારી યાત્રા હોવાનું કહી ઉમેર્યુ કે, ભારતમાં મીઠુ એટલે ઇમાનદારી, વફાદારી અને વિશ્વાસનો ભાવ, મીઠુ એટલે શ્રમ અને સમાનતાનું પ્રતિક, મીઠુ એટલે આત્મનિર્ભરતાનું પ્રતિક.
તેમણે કહ્યું કે, મીઠા પર કર નાંખી અંગ્રેજોએ ભારતના આત્મસન્માન પર ઠેસ પહોંચાડી હતી. ગાંધીજીએ મીઠાના આ કાયદા સામે અવાજ ઉઠાવી આઝાદીની માંગના અવાજને વધુ બુલંદ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સ્વાધીનતા સંગ્રામની દરેક ઘટના, ચળવળ પાછળ અભૂતપૂર્વ ગાથા રહેલી છે. આ સ્વાધીનતા સંગ્રામમાં રામયુગની ચેતના, શીવાજી, પ્રતાપની રાષ્ટ્રભાવનાનો ઉદઘોષ પ્રતિબિંબિત થયેલા છે. ૧૮૫૭નો સંગ્રામ, ગાંધીજીનુ સ્વદેશ આગમન,તીલકની સ્વરાજ્ય માંગ, ભારત છોડોનો ઉદઘોષ જેવા અનેક પડાવોએ ભારતીયોના જનમાનસને આઝાદીની લડત માટે પ્રેર્યા હતા.
આ વેળાએ વડાપ્રધાનશ્રીએ એનેકાનેક સ્વાતંત્ર્ય વીરો, રાષ્ટ્ર-ઘડવૈયાઓનો ઉલ્લેખ કરતા સભાગૃહે તાળીઓના હર્ષનાદથી બીરદાવ્યા હતાં. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આઝાદીની લડતની અગણિત ઘટનાઓ, સ્વાતંત્ર્ય વીરોની ગાથાઓ યથાર્થરૂપે દેશ સામે આવી નથી ત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ વર્તમાન પેઢી સમક્ષ તે ગાથાઓને ઉજાગર કરવાનો અવસર છે.
વડાપ્રધાનશ્રીએ કચ્છના શ્યામજી કૃષ્ણવર્માની અસ્થિઓ લંડનથી પરત લાવ્યાના પ્રસંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શ્યામજી કૃષ્ણવર્માએ વિદેશમાં રહી અંગ્રેજોના નાક નીચે બ્રિટીશ હુકૂમત વિરૂધ્ધ ક્રાંતિકારી પ્રવૃતિઓ કરી હતી.
વડાપ્રધાનશ્રીએ “જનનીજન્મભૂમિસ્ચ, સ્વર્ગાદપી ગરીયસી”ઉક્તિનો ઉલ્લેખકરીગારો, ખાસી, સંથાલ, નાગા, કુકા, ભીલ, મુંડા જેવી વિવિધ આદિજાતિઓએ જન્મભૂમિની સ્વતંત્રતા માટે અંગ્રેજો સામે કરેલા સ્વાતંત્ર્ય સંધર્ષનો ચિતાર આપ્યો હતો. આ વેળાએ વડાપ્રધાનશ્રીએ રાણી ગાઇડીનલ્યુ, બિરસા મૂંડા, મુર્મુ ભાઇઓ, અલ્લુરીસિતારામરાજૂ, માનગઢના ગોવિંદગૂરૂ, સંથાળો સહિતના વનવાસી ક્રાંતિવીરોનો ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ અંગ્રેજોના આગમન પૂર્વેના ભારતની સંત પરંપરાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ભક્તિ આંદોલને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પીઠીકા તૈયાર કરી હતી. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, જલીયાવાલા બાગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બી.આર.આંબેડકર સાથે સંકળાયેલા સ્થાન,વનબંધુઓના સંધર્ષને ઉજાગર કરતા મ્યુઝિયમ જેવા સ્થળો ભારતની સ્વાતંત્ર્ય લડત અને વીરોને ચીરસ્મરણીય બનાવે છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યુ કે, આઝાદ ભારતની અગણીત સફળતાઓ અન્ય દેશો માટે પ્રેરણારૂપ છે. ભારતનો વિકાસ દૂનિયાના વિકાસમાં સહાયરૂપ છે. કોરોનાના કપરા કાળમાં ભારતે વેક્સિન નિર્માણમાં આત્મનિર્ભરતા દાખવી દૂનિયાને ભારતની આત્મનિર્ભરતાનો પરિચય કરાવ્યો છે.
આ મહામારીના કપરા સમયમાં પણ ભારતે વસુદૈવ કુટુંબકમ્ના ભાવ સાથે અન્ય દેશોનું દુખ દૂર કરવાનું કાર્ય કર્યુ છે. તેથી જ વિશ્વ આખુ ભારત પર વિશ્વાસ મૂકી રહ્યું છે. નયા ભારતના સૂર્યોદયનું આ પ્રથમ કિરણ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
વડાપ્રધાનશ્રીએ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’, ‘આત્મનિર્ભર ભારત’, સમૃદ્ધ સંસ્કૃતિક વારસા થકી ભારતને વિશ્વગુરુ બનાવવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેમણે કહ્યું કે, દરેક ભારતીય એક પગલુ ભરે તો ભારત ૧૩૦ કરોડ ડગ-પગલા આગળ જશે. સૌ સાથે મળીને વિકાસના તમામ લક્ષ્યો પાર પાડી શકીશું. વડાપ્રધાનશ્રીએ આગામી ૭૫ અઠવાડિયા દરમિયાન રચનાત્મક કાર્યક્રમો યોજવાનું સૂચન કરી આગામી ૧૫મી ઓગસ્ટ સુધીમાં આઝાદીનો આ અમૃત મહોત્સવ સર્વ વ્યાપી અને સર્વ સમાવેશી બને તેવી શુભકામના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, આજે સમગ્ર દેશની નજર ગુજરાત પર છે કારણ કે આઝાદીની લડતમાં પૂજ્ય બાપુ અને સરદાર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશનું નેતૃત્વ કર્યુ હતુ. જે ભૂમિપરથી આઝાદીની જંગના મંડાણ થયા હતા એ જ ભૂમિ પરથી આજે દેશની સ્વાતંત્ર્યતાના ૭૫ વર્ષની ઉજવણીની શરૂઆત થઇ છે તે ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે.
આજથી ૯૧ વર્ષ પહેલા પૂજ્ય બાપુએ પોતાના ૭૮ સાથીઓ સાથે ઐતિહાસિક દાંડી કૂચ કરી હતી અને ૬ એપ્રિલે એક ચપટી મીઠું ઉઠાવીને મીઠાના કાયદાનો ભંગ કરી અંગ્રેજ શાસનના પાયામાં લૂણો લગાવવાની શરૂઆત કરી હતી.
આજે આઝાદીના ૭૫ વર્ષ બાદ સમગ્ર રાષ્ટ્ર “લીવફોરધનેશન”ના મંત્ર સાથે વિશ્વ ગુરુબનવા અગ્રેસરથઇરહ્યુંછે ત્યારે પુનરાવર્તિત દાંડીયાત્રા દેશમાં જનચેતના જગાવનારી જનયાત્રા બની રહેશે.
દાંડી યાત્રાની આ ચિનગારીએ સમગ્ર દેશને સ્વદેશી ભાવના પ્રત્યે જાગૃત કર્યો હતો તેમ જણાવી તેમણે કહ્યું કે, સ્વાતંત્ર્યતાના સંગ્રામમાં ગુજરાતનું યશસ્વી પ્રદાન રહ્યું છે.ગાંધીજીએ સમગ્ર દેશમાં જનચેતનાનું જનઆંદોલન ચલાવ્યું તો સરદાર પટેલે દેશને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યુ આ રીતે ગાંધીજી સ્વાતંત્ર્યતાના શિલ્પી જ્યારે સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી બન્યા હતા.
તેમણે કહ્યું કે, આ બંને મહાનુભાવો સિવાય ભારતની આઝાદી માટે ગણેશ વાસુદેવ માવલંકર, વિનોદ કિનારીવાલા, મગનભાઇ પટેલ, બળવંતરાય મહેતા, ઉછંગરાય ઢેબર વગેર જેવા અનેક નામી-અનામી દેશભક્તોએ પોત-પોતાના ક્ષેત્રોમાં પોતાનું અનન્ય યોગદાન આપ્યુ હતુ જેને ગુજરાત સદૈવ યાદ રાખશે.
ગુજરાતના સહજાનંદ સ્વામી, કવિ નર્મદ, ઉમાશંકર જોષી જેવા સમાજ સુધારકોએ દેશમાં સામાજીક સુધારાની શરૂઆત કરી હતી. જ્યારે રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડ મીલની સ્થાપના કરીને ગુજરાતમાં ઔધોગિક વિકાસનો પાયો નાંખ્યો હતો.
ગુજરાતના ક્રાંતિકારી સરદારસિંહ રાણા, શ્યામજીકૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઇજી કામાએ વિદેશમાં ભારતના સ્વાતંત્ર્યતાની મિશાલ કાયમ કરી હતી. લીલાવતીબેન બેન્કર, પૂર્ણિમાબેન પકવાસા જેવી ગુજરાતની મહિલાઓ પણ તેમા પાછળ રહી ન હતી તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.