સોની પરિવારની આત્મહત્યામાં રાજસ્થાનથી બે જ્યોતિષ જબ્બે
વડોદરા, સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારી વડોદરા સામૂહિક આત્મહત્યાના કેસમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. વડોદરાની સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં બનેલી આ સામૂહિક આત્મહત્યાના કેસમાં પોલીસે રાજસ્થાનથી બે જ્યોતિષને ઝડપી પાડ્યા છે.
સીતારામ ઉર્ફે શૈલેશ ભાર્ગવ અને ગજેન્દ્ર ભાર્ગવને પોલીસે પકડી પાડ્યા છે. તેમનો કોરોના ટેસ્ટ કરવા માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ આવ્યા બાદ બંનેની ધરપડક કરવામાં આવશે. નોંધનીય છે કે વડોદરામાં સોની પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યમાં ચકચાર મચી ગયો હતો.
આ ઘટનામાં સામે આવ્યું હતું કે આ પરિવાર સાથે વડોદરા અને અમદાવાદના ૯ જ્યોતિષોએ છેતરપિંડી કરી હતી. તેમણે ઘરમાં સોનાના દાગીના ભરેલા કળશ દટાયેલા હોવાની લાલચ આપીને નરેન્દ્ર સોની પાસેથી ૩૨.૮૫ લાખ પડાવી લીધા હતા. જેના કારણે સોની પરિવાર આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હતો અને તેમને ખાવાના પણ ફાંફા પડી ગયા હતા.
ત્યારબાદ નરેન્દ્ર સોનીએ પરિવાર સહિત આત્મહત્યા કરી લીધી હતી. આખા પરિવારે કોલ્ડ ડ્રિંક્સમાં ઝેર ભેળવીને પી લીધું હતું. દાદા, પૌત્ર અને પુત્રીનું મોત થયું હતું. જ્યારે માતા અને પુત્ર ભાવિનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત થયું હતું.
પોલીસે ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું હતું અને તેના આધારે ૯ જ્યોતિષ સામે ૩૨ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તાત્કાલિક જ્યોતિષોની શોધખોળ શરૂ કરી દીધી હતી. હાલમા નાસતા ફરતા જ્યોતિષોમાંથી પાંચ જ્યોતિષે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે.