ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસમાં ૮૩ ટકાનો નોંધપાત્ર ઉછાળો
અમદાવાદ: ૧૨ માર્ચે પૂરા થયેલા પખવાડિયામાં જ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાડ્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં ૮૩% ઉછાળો આવ્યો છે. માત્ર ચાર અઠવાડિયામાં જ દર અઠવાડિયે નોંધાતા કેસનો આંકડો ૧,૮૪૫થી વધીને ૪,૩૮૨ પર પહોંચી ગયો છે. જે કેસોની સંખ્યામાં ૨.૪ ગણો વધારો દર્શાવે છે અને રાજ્યમાં નોંધાયેલા કેસોનો ત્રીજાે સૌથી મોટો ઉછાળો છે. આ ઉછાળો બે જિલ્લાઓ- અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ ગંભીર છે. ૧૫ દિવસમાં સુરતમાં ૧૩૬%નો ઉછાળો જાેવા મળ્યો છે. ૧૫ દિવસમાં કેસની સંખ્યા વધીને ૭૬૪થી ૧,૮૦૬ થઈ છે. જ્યારે અમદાવાદમાં ૧૦૧% વધારો નોંધાયો છે અને કેસની સંખ્યા ૯૦૦થી વધીને બમણી એટલે કે ૧,૮૧૬ થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો સમાવેશ ભારતના એ ૬ રાજ્યોમાં થાય છે જેમાં રોજના ૮૬ ટકા કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાય છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર, આ આઠ જિલ્લામાં કોરોનાના કેસમાં ૮૭ ટકાનો ઉછાળો જાેવા મળ્યો છે. અહીં કેસની સંખ્યા ૩,૫૦૭થી વધીને ૬,૫૬૪ થઈ છે. સરખામણી કરીએ તો, બાકીના ગુજરાતમાં ૬૫ ટકા વધારો જાેવા મળ્યો, કેસની સંખ્યા ૮૯૯થી વધીને ૧,૪૮૭ થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ક્રિકેટ મેચ જેવા મોટા આયોજનો અને લગ્ન પ્રસંગો- આ બધી જ જગ્યાએ થયેલી ભીડ ઉછાળાનું પ્રારંભિક કારણ છે. હવે ચિંતાગ્રસ્ત થયેલી રાજ્ય સરકારે શુક્રવારે સાંજે ઈમર્જન્સી કોર કમિટી બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં સિનિયર આઈએએસ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સામેલ હતા.
ગાંધીનગર સ્થિત આઈઆઈપીએચના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકરે કહ્યું, “આ પ્રકારનો ઉછાળો હાલ દેશના વિવિધ ભાગોમાં જાેવા મળી રહ્યો છે. ગીચતા અને મોટા પ્રમાણમાં અવરજવર જેવા પરિબળોના કારણે શહેરી વિસ્તારો મહામારીનું કેંદ્રસ્થાન છે. આ ઉપરાંત વધુ સંખ્યામાં ટેસ્ટ જેવું કારણ પણ જવાબદાર છે. પરંતુ જાે આપણે આંકડાઓનું ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો શહેર સિવાયના વિસ્તારોમાં પણ કેસની સંખ્યા વધી રહી છે.