પેટ્રોલ તેમજ ડીઝલ બાદ ઇન્શ્યોરન્સ પોલીસી મોંઘી થશે
નવી દિલ્હી: એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે, તો બીજી તરફ ટીવી, એસી, ફ્રિજ મોંઘા થવાના સમાચારથી સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે, હવે ઇન્શ્યોરન્સ પણ ખરીદવો પણ મોંઘો થશે. જાે તમે ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આગામી મહિને તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. વીમા કંપનીઓ ૧ એપ્રિલથી ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાનની કિંમતો વધારી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોરોના મહામારીને કારણે નવા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં વીમા પોલિસીનો ભાવ લગભગ ૧૦થી ૧૫ ટકા વધી શકે છે. જયારે પરિવારમાં કોઈનું મૃત્યુ થઇ જાય અથવા કોઈ વિકલાંગ થઇ જાય તો પરિવાર માટે જીવન વિતાવવું મુશ્કેલ થઇ જાય છે. આવી મુસીબતનો સામનો કરવા માટે તમે લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી લઇ શકો છો. ટર્મ પ્લાન જીવન વીમા હેઠળ પરિવારને આર્થિક સહાયતા મળે છે. જાેકે, તેમાં મેચ્યોરિટી પર પોલીસધારકને કોઈ રકમ નથી મળતી.
સામાન્ય રીતે ટર્મ પ્લાન ૧૦,૧૫, ૨૦, ૨૫ કે ૩૦ વર્ષ માટે લઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે, ટર્મ પ્લાનમાં એક જ ઉંમર, અવધિ અને લાઈફ કવર માટે અલગ વ્યક્તિ પાસેથી વીમા કંપની અલગ રકમ ચાર્જ કરી શકે છે. પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ એપ્રિલ મહિનાથી પોલીસીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે દુનિયાભરમાં મોરટેલિટિ દરથી રી-ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર અસર થઇ છે. કંપનીઓના જણાવ્યા મુજબ, નોન મેડિકલ રિઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં ૨૫% સુધીનો વધારો થયો છે.
જેના કારણે કંપનીઓએ ટર્મ પ્લેનમાં વધારો પડશે. મહત્વનું છે કે, કોરોનાકાળમાં ઇન્શ્યોરન્સ કંપનીઓએ ૧૨૫૦ કરોડ રૂપિયાના ક્લેઇમ સેટલમેન્ટ માત્ર કોરોના સાથે જાેડાયેલા મામલે કર્યા છે. આ ભાવ વધારાની અસર પોલિસી લેનાર નવા ગ્રાહકો પર પડશે. ઉલ્લેખનીય છે કે જુના ગ્રાહકો પર તેની કોઈ અસર નહીં થાય, કારણ કે ગ્રાહકે એક વખત નક્કી થયેલું પ્રીમિયમ જ જીવનભર ભરવાનું હોય છે. એલઆઈસી દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. એલઆઈસી તેના ટર્મ પ્લાનની કિંમતોમાં વધારો કરશે કે કેમ તે અંગે હજી કોઈ જાણકારી આપવામાં નથી આવી.