ઈમરાન ખાને કહ્યું- મોદી સાથે વાતચીતની શકયતાઓ ખત્મ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીતની શકયતા હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. અમેરિકાના ન્યુઝ પેપર ન્યુયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાને ભારત પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું બંને દેશ પરમાણુ હથિયારો સાથે લેન્સ છે અને તેમની વચ્ચે યુદ્ધનો ખતરો વધતો જઈ રહ્યો છે. ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન નારાજ છે. ઈમરાન અને તેમના મંત્રીઓ સિવાય તેમનું સૈન્ય પણ યુદ્ધની વાત કરી રહી છે.
ભારત સાથે વાતચીત કરવાની તમામ કોશિશો કરી એક સવાલના જવાબમાં પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે અમે ભારત સાથે વાતચીત શરૂ કરવાના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા. તેમાં કોઈ પણ કમી રાખી નથી. પરંતુ ભારત સરકાર અને વડાપ્રધાન મોદીને કોઈ પણ પ્રકારની વાતચીતમાં કઈ રસ નથી. આ કારણે હવે તમે એમ કહી શકો છો કે વાતચીતની શકયતા ન હોવા બરાબર છે. ઈમરાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત પણ થઈ હતી. ઈમરાને ટ્રમ્પને જણાવ્યું હતું કે કાશ્મીરમાં સ્થિતિ ચિંતાજનક છે. જોકે ટ્રમ્પે ઈમરાન પહેલા મોદી સાથે અડધો કલાક વાતચીત કરી હતી.