મર્યાદા કે બંધન
‘મર્યાદા’ પુરુષ માટે આ એક સામાન્ય શબ્દ છે પણ સ્ત્રી માટે તો આખું પુસ્તક છે કારણ બધી મર્યાદા અને આમન્યા તો જાણે સ્ત્રીઓએ જ નિભાવવાની હોય છે. પુરુષવર્ગ તો એમાંથી બાકાત જ છે. આપણે જ આપણી બાળકીને જન્મે ત્યારથી જ વિવિધ પ્રકારની મર્યાદા જાળવતાં શીખવાડી દઈએ છીએ.
છોકરી નાની હોય ત્યારથી જ આપણે બેટા આમ નહીં કર, આમ નહીં બેસ તારી ચડ્ડી દેખાય છે. અરે! શું ફરક પડે છે? એને એનું બાળપણ જીવવાં દો ને, એની ચડ્ડી દેખાય એમાં શરમ જેવું કશું નથી. અરે એટલું જ નહીં આપણે જ આપણી દીકરી નાની હોય ત્યારથી જ એને દીકરી હોવાનો અહેસાસ જગાવવામાં બાકી કાંઈ જ રાખતાં નથી અને દીકરાને પુરી છુટ આપી દઈએ છીએ. આપણે દીકરી પર સમયની પાબંદી લગાડી પણ દીકરા પર એ લગાડવાનું ભૂલી ગયા અને કદાચિત એટલે જ બળાત્કારનાં કિસ્સા વધતાં ગયા છે.
મર્યાદા એટલે શું? કોને કહેશો મર્યાદા? મર્યાદા એટલે નૈતિકતા અને અનૈતિકતા વચ્ચેની એક બારીક રેખા. જેને પાર કરીને તમે તમારા વ્યક્તિત્વને ઉજાગર કરો છો. મર્યાદાનો ઉલંઘન તમારા સંબંધ અને વર્ષોની મહેનતને એક જ પળમાં નેસ્તોનાબૂત કરી નાખે છે. મારા મત પ્રમાણે મર્યાદા સ્ત્રી અને પુરુષ પર સમાનરીતે જ લાગુ પડે છે પણ પુરુષવર્ગ એ માનવા તૈયાર જ નથી.
હંમેશા એને સ્ત્રી તરફ અસંતોષ જ રહ્યો છે. કંઈપણ થાય તો બધો જ વાંક સ્ત્રીઓનો જ કેમ? કેમ ભાઈ એક બળાત્કાર થાય છે તો પણ વાંક સ્ત્રીનો કે એ દીકરીનો જ? હવે તો નવું બહાનું મળ્યું છે કે સ્ત્રીઓ જ જ્યારે અર્ધનગ્ન પોશાક પહેરે અને પોતાના અંગનું પ્રદર્શન કરે તો પુરુષ બિચારો કરે શું? કેમ આ સોચ બદલવાની જરૂર નથી?
તમારી દીકરી આવા પોશાક પરિધાન કરે ત્યારે તમે એને રોકો છો પણ દીકરાને કેમ નથી સમજાવતાં કે તારી બહેનની જેમ બીજી દીકરી પણ કોઈની બહેન કે દીકરી જ છે એની સાથે આવું બેહૂદાં વર્તન ન કર. આપણે જ આપણાં દીકરા અને દીકરીમાં ફર્ક રાખીએ છીએ. આજના આ શાશ્વત સમાજમાં જ્યારે નારી પુરુષ સમોવડી બની ગઈ છે ત્યારે અનેક નિયમોનો ભંગ પણ થાય છે. પણ જ્યારે જ્યારે આવા નિયમોનો ભંગ થાય છે.
ત્યારે આપણે કેવળ નારીને જ દોષ આપીએ છીએ. આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે રાવણે સીતાનું અપહરણ કર્યું પણ એને પામવાની કોશિશ નહોતી કરી. આ રાવણની મર્યાદા જ હતી કે સીતાજી અગ્નિ પરીક્ષામાંથી પણ પાર ઉતરી ગયા. ઈતિહાસ ગવાહ છે જ્યારે પણ મર્યાદાનો ઉલંઘન થયો છે ત્યારે મહાભારત સર્જાય છે અને એનું ભૂગતાન આખેઆખા કુળને ભરવું પડે છે. મર્યાદાનું અપમાન તો ભગવાનને પણ મંજૂર નથી અને કદાચિત એટલે જ ભગવાન કૃષ્ણ પોતાની જ નારાયણી સેનાની વિરુધ્ધમાં અર્જુનનાં સારથિ બનીને મહાભારતનાં યુદ્ધમાં ધર્મનો સાથ આપીને ગીતા રચી હશે.
મહાભારતનું યુદ્ધ એટલે ‘ધર્મ યુદ્ધ’. એટલે જ જ્યાં ધર્મ છે, જ્યાં મર્યાદા છે ત્યાં મર્યાદાપુરુષોતમ તમારી પડખે જરૂરથી ઊભા રહેશે. એનો સાથ આપવા ઉપરવાળો હંમેશા તત્પર રહેશે પણ અફસોસ આ બધું જ અત્યારનાં સમાજમાં ખાલી ગ્રંથો પુરતું મર્યાદિત રહી ગયું છે. આપણામાંથી કેટલા માતાપિતા છે જમણે પોતાના બાળકોને આવા ગ્રંથોનો મહિમા સંભળાવ્યો છે? હવે તો સમય જ નથી, અરે પોતાના બાળકોને આયાં કે બેબીસીટીંગમાં મૂકીને પરસ્ત્રીને હવાલે કરીને બસ પૈસા પાછળ દોટ મૂકી છે તો તમારા બાળકોમાં સંસ્કાર આવશે ક્યાંથી? એ તો એ જ શીખશે જે પરસ્ત્રી એને શીખવાડશે.
આવું ન કરો તમારા બાળકો સાથે એનું બાળપણ જીવો. અને એટલો વિચાર જરૂર કરજો કે આપણે પણ નાના હતાં ત્યારે આપણાં માતાપિતાએ આપણને પરસ્ત્રીને હવાલે કર્યા હોત તો? દોસ્તો કહેવાનો તાત્પર્ય એ છે કે મર્યાદામાં રહેવું અને બંધન એ બંને ભિન્ન વસ્તુઓ છે. મર્યાદાને બંધન ગણીને એનું ઉલંઘન કદી ન કરવું. બંધન તોડવું ઉચિત છે પણ મર્યાદા તોડવી એ ઉચિત નથી. દોસ્તો તમારા મનમાં એક સવાલ હશે કે મર્યાદા છે શું?
તો એનો જવાબ છે જેવો વહેવાર તમે બીજાથી ચાહો છો એ પોતે કરો, જે લક્ષ્મણ રેખા તમે બીજાઓ માટે ખેંચી છે એનું પાલન પહેલાં સ્વયં કરો. મર્યાદા કોને કહેવાય એનો જવાબ તમને તમારી આત્મા આપી દેશે કારણ આ આપણું આંતરમન જ છે જે આપણને ઉચિત અને અનુચિતનું ભાન કરાવે છે. એના માટે પોતાના માટે સમય કાઢીને દિવસમાં એકવાર તમારા આંતરમન સાથે વાત અવશ્ય કરો અને મારો એ દાવો છે દોસ્તો કે આંતરમન તમને કોઈ દિવસ ખોટાં નહીં જ પડવા દે.