વનવિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડી પુરાઇ
છેલ્લા કેટલાક સમયથી દાહોદ શહેરને અડીને આવેલા દાહોદ તાલુકાના મુવાલીયા સહિતના આસપાસના વિસ્તારમાં દીપડો લટાર મારતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ દાહોદ તાલુકાના મુવાલિયા તળાવ નજીક વનવિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડી પુરાઇ જતા વન વિભાગ તેમજ આસપાસના સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો છે
દાહોદ તાલુકાના મુવાલીયા સહિતના આસપાસના વિસ્તારમાં દીપડો લટાર મારતો હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા કબડી ઉઠેલા સ્થાનિક લોકોની પાંજરું મૂકવાની કરાયેલી માગણીને ધ્યાને લઇ દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા નસીરપુર પાસે ગઈકાલે સાંજે જ પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું જેમાં આજે શનિવારે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલ માદા દીપડી તે પાંજરામાં પૂરાઈ ગઇ હતી.
દાહોદ તાલુકાના નસીરપુર – મુવાલીયા વિસ્તારમાં આવેલ મુવાલિયા તળાવની પાછળ તેમજ ગડોઈ ઘાટીની પાછળ આવેલ દરખમાં છેલ્લા ઘણા સમયથી પાંચ દીપડા વસવાટ કરતા હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે તેમાંથી ગત વર્ષે દાહોદ શહેરમાં ઘુસી આવેલો દીપડો મુવાલીયા ખાતે વસવાટ કરતા દીપડાઓ પૈકીનો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે ગઈકાલે સાંજે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં માદા દીપડી ઝડપાઇ જતા હવે એક નર દીપડો તેમજ બે બાળ દીપડા આ વિસ્તારમાં વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે
થોડા સમય પહેલા નસીરપુર પાસે રહેતા નાનુભાઈ માવિના કમ્પાઉન્ડમાં દીપડાએ મરઘાનુ મારણ કર્યું હતું. તેમજ થોડા સમય પહેલા મુવાલીયા નજીક ખેતરમાં કામ કરી રહેલા મજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો જો કે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં આજે માદા દીપડી ઝડપાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.