Western Times News

Gujarati News

થલતેજના દંપતીની હત્યા પહેલા ટોળકીએ નવરંગપુરામાં રેકી કરી હતી

Files Photo

સોલા ડબર મર્ડર કેસમાં રોજ નવા ખુલાસા-ઘટનાને અંજામ આપવા માટે ટોળકીએ MPથી તમંચો, પાવાગઢથી છરી અને વડોદરાથી બાઈક ચોરી કરી હતી

અમદાવાદ, સોલા ડબલ મર્ડર કેસમાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હાલ તમામ સોલા પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર છે. ત્યારે પોલીસ પૂછપરછ દરમિયાન રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ દરમિયાન જાણવા મળ્યું કે, સોલામાં વૃદ્ધ દંપતીની હત્યા પહેલા આ ટોળકીએ નવરંગપુરામાં પણ રેકી કરી હતી.

પરંતુ પ્લાન ફેલ થતાં હેબતપુર ખાતે શાંતિ પેલેસમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરીને લૂંટ ચલાવી હતી. આ કેસમા ક્રાઈમ બ્રાચે હત્યાના ૩ દિવસ બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી તમામ આરોપીઓની એક પછી એક ધરપકડ કરી હતી, હાલ તમામ આરોપીઓ ૧૦ દિવસના રિમાન્ડ પર છે.

ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેનો ભાઈ, બનેવી, મિત્ર સહિત ૫ આરોપીઓની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે, જ્યાં અગાઉ મિસ્ત્રી કામ કર્યું હતું તે બે પૈકીના નવરંગપુરાના બંગલાની પણ રેકી કરવામાં આવી હતી. એક મહિના સુધી રેકી કર્યા બાદ મધ્યપ્રદેશથી તમંચો લાવવાની તૈયારી કરાઈ હતી.

પરંતુ ઘરમાં આખો પરિવાર રહેતો હોવાથી નવરંગપુરામાં લૂંટનો પ્લાન પડતો મુકાયો હતો અને સોલામાં એકલા રહેતા વૃદ્ધ દંપતીને ટાર્ગેટ કરાયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશના લબરમુછિયા ભરત, નીતિન, આશિષ, બિરજુ અને રાહુલ અમદાવાદમાં મિસ્ત્રીનું કામ કરતા હતા અને મોટા બંગલાઓમાં સાથે જ કામ કરવા જતા.

ભરત અને રાહુલને બહેનના લગ્ન માટે પૈસાની જરૂર હોવાથી એક મહિના અગાઉથી લૂંટની પ્લાન બનાવવા ચર્ચા કરી અને અગાઉ જ્યાં મિસ્ત્રી કામ કર્યું હતું તે જગ્યા પર લૂંટની ઘટનાને અંજામ આપવા નક્કી કર્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ પૂછપરછમાં આરોપીએ હત્યા કર્યા બાદ વૃદ્ધ દંપતીના લોહીલુહાણ મૃતદેહ સાથે સેલ્ફી પણ લીધી હતી. હત્યારાઓની એવી વિકૃત માનસિકતા સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પૂછપરછ દરમિયાન એ પણ સામે આવ્યું કે, મોટો માલ મળે ત્યાં ચોરી કરવા ઘૂસો અને કોઈ જાેઈ જાય તો તેની હત્યા કરી નાંખવાની ખોટી સલાહ પણ રવિએ આપી હતી. રવિના કહેવા પર જ મધ્યપ્રદેશ તમંચો તો પાવાગઢથી છરી ખરીદવામાં આવી અને વડોદરાથી બાઈક ચોરી હતી. તેમજ પકડાઈ ન જાય તે માટે ૭ જેટલા મોબાઈલ પર લૂંટ્યા હતા.

ઘટનાની વિગત એવી છે કે, ૫ દંપતીની માર્ચના રોજ સવારે આઠથી નવ વાગ્યાના અરસામાં થલતેજ વિસ્તારમાં હેબતપુર રોડ પર આવેલા શાંતિ પેલેસમાં બંગલો નંબર ૨માં રહેતા જ્યોત્સનાબેન પટેલ તેમજ તેમના પતિ અશોકભાઈ પટેલના ઘરમાં ઘૂસીને તેમની ઘાતકી હત્યા કર્યા બાગ અજાણ્યા શખ્સોએ ઘરમાંથી ૫૦ હજાર રોકડ, જ્યોત્સનાબેને પહેરેલા ૧.૮૦ લાખની કિંમતના દાગીના, બે મોબાઈલ ફોન સહિત કુલ રુ. ૨.૪૫ લાખની લૂંટ ચલાવી હતી.

આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને સોલા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે આરોપીઓનું ટેકનિકલ સર્વેલન્સ પણ શરુ કરીને સીસીટીવી ફુટેજના આધારે તેઓ કઈ તરફ ભાગ્યા હતા તે શોધી કાઢ્યું હતું. તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા નીતિન ગૌડ, રાહુલ ગૌડ, આશીષ વિશ્વકર્મા, બ્રીજમોહન ગૌડ ઘાટલોડિયાના રોહિતનગરમાં ભાડે રહેતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

ચારેય આરોપીઓના સંબંધી ભરત ગૌડને મૃતક દંપતીના ઘરમાં ફર્નિચર બનાવવાનું કામ મળ્યું હતું, અને તેણે જ બંગલામાં ચોરી કરવા માટેની ટીપ આપી હોવાની હકીકત બહાર આવી હતી. આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી, અને ૩ દિવસમાં તમામને ઝડપી લીધા હતા.

આરોપીઓને પકડવા માટે એમપી પહોંચેલી પોલીસની ટીમે આરોપી રાહુલ ગૌડને ગ્વાલિરયરના આમકખો બસ સ્ટેશન પરથી, બીજા આરોપી આશીષ વિશ્વરકર્મા અને બ્રીજમોહનને ભીંડ તરફ જવાના રોડ પર ટોલટેક્સ આગળ સરવા ગામેથી અને આરોપી નં.૪ ભરત ગૌડને જનતાનગર ખાતેથી પકડી લીધા હતા.

પાંચમો આરોપી નીતિન ગૌડ પણ ડબરા ખાતેથી ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી ગયો હતો. આ તમામ આરોપીઓને અલગ-અલગ રાખીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે રાહુલ ગૌડ તથા ભરત ગૌડની બહેનના લગ્ન ૨૫ એપ્રિલના રોજ થવાના હતા, અને તેના ખર્ચ પેટે બંને ભાઈઓએ ભેગા થઈને પિતાને બે લાખ રુપિયા આપવાના હતા. હાલ તમામ આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે, ત્યારે વધુ ખુલાસાઓ થાય તેવી સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.