ગોધરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ક્રૂર હત્યા નાખી
મહિલાને ધોળાકુવા ગામના પાલનપુર ફળિયામાં રહેતા પીન્ટુ બારીયા નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી
ગોધરા, કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમને પામવાના નશામાં વ્યક્તિ કોઈપણ પગલું ભરવા તૈયાર થઈ જાય છે અને આખરે પ્રેમ નહિં પણ પરિણામ હોય છે પસ્તાવો ! એવું જ કંઈક ગોધરાના ધોળાકુવા ગામે બન્યું છે.પત્નીએ જ પ્રેમીની મદદથી પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે.
પતિને મોતને ઘાટ ઉતારી બનાવને અકસ્માતમાં ખપાવી દેવા માટે રિક્ષાને ખાડામાં પલટી પણ ખવડાવી દેવામાં આવી હતી પરંતુ પોલીસની તપાસમાં હત્યા કરવામાં આવી હોવાનો પર્દાફાશ થઈ ગયો હતો. ગોધરા એ ડીવીઝન પોલીસે હત્યામાં સંડોવાયેલા બેની ધરપકડ કરી છે.
જાેકે પત્નીએ પ્રેમી સાથે રહેવા રચેલા કાવતરામાં હાલ તો પોતાના બે સંતાનો નોંધારા બન્યા છે ,પતિ મોતને ભેટ્યો છે જયારે પત્ની અને પ્રેમી બંનેના મોજ કરવાના સ્વપ્નો રોળાયા છે અને જેલવાસમાં જવુ પડ્યું છે. ગોધરા તાલુકાના ધોળાકુવા ગામે રહેતા રાજેશ માવીના લગ્ન સુરેખાબેન સાથે સમાજના રીતરિવાજ મુજબ કરાયા હતા.
સુખી દાંપત્ય જીવન દરમિયાન કુદરતે બંનેને એક દીકરી અને દીકરાની ભેટ પણ આપી હતી. પરંતુ સુરેખાને ધોળાકુવા ગામના પાલનપુર ફળિયામાં રહેતા પીન્ટુ બારીયા નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી.દરમિયાન સુરેખા અને પીન્ટુ વચ્ચે દિન પ્રતિદિન સંબંધો ગાઢ બનતા ગયા હતા અને બંનેએ સાથે જીવવાનું મનોમન નક્કી કરી લીધું હતું.
દરમિયાન આઠ માસ અગાઉ સુરેખા પોતાના બે સંતાનો અને પતિને છોડી પીન્ટુ સાથે ભાગી ગઈ હતી. જાેકે જેનાબાદ સમાજ અગ્રણીઓ દ્વારા સુરેખાને પરત લાવી તેના પતિ રાજેશને સોંપવામાં આવી હતી.દરમિયાન રાજુએ પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અન્ય સાથે ભાગી ગયેલી પોતાની પત્નીને અપનાવી હતી.
બીજી તરફ સુરેખા અને પીન્ટુને રાજુ આંખના કણા જેમ ખૂંચતો હતો જેથી બંનેએ રાજુને પોતાના વચ્ચેથી કાયમી ધોરણે દૂર કરી દેવાનું કાવતરું રચ્યું હતું. જે માટે પિન્ટુએ સુરેખાના કહેવાથી રાજુ સાથે મિત્રતાના સંબંધો કેળવી વિશ્વાસમાં લઈ લીધો હતો.રાજુ પીન્ટુ સાથેની મિત્રતાને લઈ તેના કહ્યા મુજબ વર્તતો હતો.
આ જ બાબતનો સુરેખા અને પિન્ટુએ ગેરલાભ ઉઠાવ્યો.સુરેખાના ઈશારે રાજુને મોતને ઘાટ ઉતારી દેવા માટે પિન્ટુએ તેને રીક્ષા લઈ ધોળાકુવા પથ્થરની ફેકટરી પાસે બોલાવ્યો હતો અને જેનાબાદ રાજુને ગળામાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. બીજી તરફ બનાવને અકસ્માતમાં ખપાવી દેવા પીન્ટુએ રિક્ષામાં રાજુને બેસાડી રોડની બાજુમાં આવેલા ખાડામાં રિક્ષાને પલટી ખવડાવી દીધી હતી.