દિલ્હીમાં ચોથા માળથી પડી જતાં ૨૨ વર્ષીય મહિલાનું મોત
નવી દિલ્હી: શનિવારે વહેલી સવારે દિલ્હીમાં એક ચાર માળની બિલ્ડિંગ પરથી નીચે પડી જવાથી એક ૨૨ વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. મહિલા નીચે પડ્યા બાદ એક વ્યક્તિને તેને ઊંચકીને લઈને જતો સીસીટીવીમાં કેદ થયો હતો. આ કામમાં અન્ય એક વ્યક્તિએ પણ તેની મદદ કરી હતી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના શાકુરપુર વિસ્તારમાં એક ૨૨ વર્ષીય મહિલા બિલ્ડિંગ પરથી નીચે પડી હતી.
આ બનાવ નજીકમાં આવેલા બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલા નીચે પડ્યાની થોડીવારમાં એક વ્યક્તિને બિલ્ડિંગમાંથી બહાર આવતો જાેઈ શકાય છે. જે બાદમાં તે વ્યક્તિ આ મહિલાને પોતાના ખભા પર ઊંચકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ધરપકડ કરેલા વ્યક્તિની ઓળખ ૩૫ વર્ષીય મુકેશ કુમાર તરીકે કરવામાં આવી છે. પોલીસે લખનઉ-આગ્રા હાઇવે પરથી તેની ધરપકડ કરી હતી.
પોલીસને આ મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં કચરો ફેંકવાની એક જગ્યા પરથી મળી આવી હતી. જે બાદમાં તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાને તેણીનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે ૨૨ વર્ષીય મહિલા થોડા દિવસ પહેલા ઝારખંડથી કામ આર્થે દિલ્હીમાં આવી હતી. દિલ્હી ખાતે તેણે મુકેશનો સંપર્ક કર્યો હતો. મુકેશ પ્લેસમેન્ટ એજન્સી ચલાવે છે. નોર્થ-વેસ્ટ ડીસીપી ઊષા રંગનાનીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એવી વાત સામે આવી છે કે મુકેશ ઘરોમાં કામવાળા પહોંચાડવાનું કામ કરે છે.
પીડિત મહિલા થોડા દિવસ પહેલા તેના ઘરે આવી હતી. કામના સંદર્ભે આવેલી મહિલા અને મુકેશ વચ્ચે પગારના મુદ્દે ઝઘડો થયો હતો અને બાદમાં આ બનાવ બન્યો હતો. સીસીટીવી કેમેરામાં જાેઈ શકાય છે કે, મહિલા નીચે પડ્યા બાદ મુકેશ તેને પોતાના ખભા પર ઊંચકીને લઈ જઈ રહ્યો છે.
જે બાદમાં તેણે મહિલાને નજીકની જગ્યાએ છોડી દીધી હતી. જે બાદમાં મુકેશ અને તેનો પરિવાર એક કારમાં સવાર થઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન તેણે બનાવની જગ્યાએ લોહીના નિશાન પર રેતી નાખી દીધી હતી. આ મામલે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીને આધારે પોલીસને માહિતી મળી હતી કે મુકેશ અને તેનો સાગરીત જીતેન બિહારના દરભંગા ખાતે જઈ રહ્યા હતા.