મધ્યાહન ભોજનઃવિદ્યાર્થીઓને અત્યંત નજીવા દરે જમાડી દેવાય છે
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ લાભ લેતાં વિદ્યાર્થીઓને અત્યંત નજીવા દરે જમાડી દેવામાં આવતાં હોવાનું બહાર આવ્યું છે. મધ્યાહન ભોજન યોજના અન્વયે ભોજનનો ખર્ચ ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓ માટે રૂ.૪.૯૭ અને ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે રૂ.૭.૪૫નો ખર્ચ પ્રતિ વિદ્યાર્થીદીઠ થાય છે. જ્યારે ખર્ચના દરમાં તા.૧૧-૫-૨૦૨૦થી ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓ માટે રૂ.૦.૪૯ અને ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે ૦.૭૪નો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાબાઈ વંશે સવાલ પૂછયો હતો કે તા.૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ રાજ્યમાં ધો.૧થી ૫ અને ધો.૬થી ધો.૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રતિ બાળકદીઠ ભોજનનો ખર્ચ કેટલો આવે છે અને આ ખર્ચના દરોમાં છેલ્લે ક્યારે કેટલી રકમનો વધારો કરવામાં આવ્યો છે?
આ સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું છે કે તા.૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ મધ્યાહન ભોજન યોજના અન્વયે ભોજનનો ખર્ચ ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓ માટે રૂ.૪.૯૭ અને ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે રૂ.૭.૪૫નો ખર્ચ પ્રતિ વિદ્યાર્થીદીઠ થાય છે. જ્યારે ખર્ચના દરમાં કેટલો વધારો કરાયો તેનો જવાબ સરકારે એવો આપ્યો છે કે છેલ્લે શિક્ષણ વિભાગ દ્વારા તા.૧૧-૫-૨૦૨૦ના ઠરાવથી ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓ માટે રૂ.૦.૪૯ અને ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે ૦.૭૪નો વધારો કરવામાં આવ્યો છે.