પ્રાથમિક શાળામાં પરીક્ષા વિના પ્રમોટ કરવા વિચારણા
પુણે: મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ આગળના ધોરણમાં મોકલી દેવા વિચારણા કરી રહી છે. જાેકે, વિદ્યાર્થીઓનું આ વર્ષમાં પર્ફોમન્સ કેવું રહ્યું છે તેના આધાર પર તેમને ગ્રેડ આપવામાં આવશે. ધોરણ ૧થી ધોરણ ૮માં ભણતા સ્ટૂડન્ટ્સને કોરોનાના વધતા કેસ વચ્ચે પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવા માટે શિક્ષણ વિભાગ ગંભીરતાથી વિચારી રહ્યો છે.
ડિરેક્ટર ઓફ સેકન્ડરી એજ્યુકેશન દત્તાત્રેય જગતાપના જણાવ્યા અનુસાર, સ્કૂલોએ હજુ સુધી ઓફલાઈન ભણાવવાનું શરુ નથી કર્યું. રાજ્યના કેટલાક શહેરોમાં લોકડાઉન લાગુ કરવું પડે તેવી સ્થિતિ છે, તેવામાં આ વર્ષે પરીક્ષા લીધા વિના જ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે સરકાર વિચારી રહી છે. ધોરણ ૧થી ૮માં વિદ્યાર્થીઓને નાપાસ ના કરવાની નીતિ ચાલુ રાખવામાં આવશે, અને તેમના પર્ફોમન્સને આધારે તેમને ગ્રેડ અપાશે.
ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ૧૮ માર્ચથી સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. કોરોનાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું શરુ કરાયું હતું. ગયા વર્ષે પણ અનેક પ્રાઈવેટ સ્કૂલ્સે વિદ્યાર્થીઓના પર્ફોમન્સના આધારે તેમને પ્રમોટ કર્યા હતા. જાેકે, આ વર્ષે પણ બે મહિના સુધી જ ધોરણ નવથી ૧૨ના વર્ગો ચાલી શક્યા હતા, જ્યારે એક મહિના સુધી ધોરણ ૫થી આઠના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા હતા. આ સિવાય તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવામાં આવ્યા હતા, અને તેમની ટેસ્ટ પણ ઓનલાઈન જ લેવાઈ હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, શૈક્ષણિક વર્ષ પૂરું થવાની તૈયારી છે ત્યારે હજુ પણ સ્થિતિ ઘણી અનિશ્ચિત છે. ઓફલાઈન ક્લાસ શરુ થઈ શકશે કે કેમ તેને લઈને શંકા છે. તેવામાં સ્કૂલોમાં પરીક્ષા યોજવી પણ મુશ્કેલ બની રહેશે. શિક્ષણ વિભાગ કોરોનાને લગતા નિયંત્રણો અંગે સરકારની સૂચનાની રાહ જાેઈ રહ્યો છે. જાેકે, જે ગતિએ કેસો વધી રહ્યા છે તેને જાેતાં નિયંત્રણો વધુ કડક બનવાની પૂરી શક્યતા છે. જેથી, પરીક્ષાઓ યોજાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.